રાજ્યમાં બાળકો ઉઠાવી જનારી ગેંગ સક્રિય થઇ હોવાના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો બાદ અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિત અનેક સ્થળોએ નિર્દોષ લોકો પર હુમલા થવાના બનાવ બન્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર મામલો ગંભીરતાથી લેવાયો છે. સાથે એવી હકીકત પણ સામે આવી છે કે બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઇ હોવાનો વીડિયો મૂળ પાકિસ્તાનનો છે અને ત્યાંથી વાઈરલ થયો છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે પાકિસ્તાનમાં આ પ્રકારની ગેંગ સામે લોકોમાં જાગૃતિ લાવવા બનાવાયેલો વીડિયો રાજ્યમાં વાઈરલ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજની તપાસ કરી રહી છે. જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં હાલ બાળકોને ઉઠાવી જતી કોઇપણ ગેંગ સક્રિય હોવાનું પોલીસના ધ્યાને આવ્યું નથી.