આજ રોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત ખેડૂત મહાશીબીરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ જણાવેલ કે દેશના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન હંમેશા મહત્વનું રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલએ કહેલું કે, “મારી એકમાત્ર ઈચ્છા છે કે ભારત ઉત્પાદક રાષ્ટ્ર બને, અને કોઈપણ વ્યક્તિ ભૂખી ના રહે કે અનાજ માટે આંસુ ના સારે”. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વસતી ૩૩ કરોડ જેટલી હતી. તેવા સંજોગોમાં પણ આપણે અનાજની આયાત કરવી પડતી હતી. આજે જ્યારે દેશની વસ્તી ૧૩૫ કરોડ જેટલી થઈ છે અને આ વર્ષો દરમિયાન ખેતીલાયક જમીન ખૂબ મોટા પ્રમાણમાં ઘટી છે તો પણ આજે દેશ અનાજની નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં છે. આ તમામ શ્રેય કોઈને જતો હોય તો એ ફક્ત આ દેશના ખેડૂતો છે. તેમને કરેલ રાત-દિવસના પુરુષાર્થના પરિણામે આ દેશ અન્ન સ્વાવલંબી બન્યો છે. આજે સરકાર અન્ન સલામતી કાયદો બનાવે છે તો તે ખેડૂતોના ભરોસે બનાવે છે, આ દેશનો ખેડૂત પુરુષાર્થ કરે ત્યારે જ સરકાર ગરીબોને અનાજ આપી શકે છે. એટલે જ ખેડૂતોને જગતના તાત કીધા છે.
સરકારે પણ નિર્ધાર કર્યો છે જ્યારે વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે આઝાદીનું ૭૫મું પર્વ મનાવે ત્યાં સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે. આ માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં ઉઠાવવામાં આવી રહેલ છે. ખેડૂતો માત્ર ખેતી પર જ નિર્ભર ન રહે, પરંતુ ખેતીની સાથે ખેતીને આનુસાંગિક પ્રવૃત્તિઓમાં પણ જોડાય તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન, મરઘા ઉછેર, સૌરઊર્જા ઉત્પાદન, ઇથેનોલનું ઉત્પાદન, વગેરે જેવી પ્રવૃત્તિઓ કરે તથા પોતે પકવેલા પાકનું વેલ્યુ-એડિશન કરે તે માટે સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સહાય કરી રહી છે. જેથી કરી ક્યારે કોઈ વર્ષે કુદરતી સંજોગોના કારણે પાક નબળો થાય તો પણ ખેડૂતોની આવક જળવાઇ રહે.