ગાંધીનગર-નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા અનુદાનિત ૧૬ બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચના લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જેનો ૧૭૧૦ કર્મચારીઓને લાભ થશે અને રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૧૦.૦૬ કરોડનો વધારાનો બોજ પડશે.
બોર્ડ-નિગમના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા પણ રજુઆતો કરાતાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જે અનુસાર, ગુજરાત જમીન વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ઘેટા અને ઉન વિકાસ નિગમ, ગુજરાત પોલીસ આવાસ નિગમ, ગુજરાત અનુ.જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત ગ્રામ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કુલ-૧૭૧૦ કર્મચારીઓને આ લાભો મળશે.
સાતમા પગાર પંચનો લાભ તા.૦૧.૧૦.૨૦૧૭ થી આપવામાં આવશે. ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભો પણ આપવામાં આવતાં હોય છે તેવા ૨૧૭ કર્મચારીઓને પેન્શન સુધારણાના લાભો મળશે.રાજ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો કરીને રૂ.૧૯૯૫૦ માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નિતીન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ૩૩ જિલ્લાઓની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૫૫૭ જેટલા વિદ્યા સહાયકો ફરજ બજાવે છે. આ વિદ્યા સહાયકોને અત્યાર સુધી રૂ.૧૧૫૦૦ માસિક વેતન અપાતું હતું તેના બદલે હવે રૂ.૧૯૫૦૦ માસિક વેતન ચુકવાશે. જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૫.૬૪ કરોડનું ભારણ પડશે.