વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ દેશભરમાં કેન્દ્ર સરકારે ચાર વર્ષ દરમ્યાન કરેલા કાર્યોને જન-જન સુધી પહોંચાડવા ભાજપ દ્વારા જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને લોકોનું સમર્થન મેળવાઈ રહ્યું છે. ત્યારે ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળે આજે સંપર્ક સે સમર્થન અંતર્ગત ‘લોકસંસાર’ દૈનિકની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર સરકારે દેશમાં તથા પોતે સાંસદ તરીકે ચાર વર્ષમાં ભાવનગરમાં કરેલા કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો.
સાંસદ ડો. ભારતીબેન શિયાળ સાથે તળાજા માર્કેટ યાર્ડના ડાયરેકટર ધીરૂભાઈ શિયાળનું ‘લોકસંસાર’ કાર્યાલયે મેનેજીંગ તંત્રી મુન્તઝીર સીદાતર, નિવાસી તંત્રી નરેન્દ્ર ચુડાસમા, પત્રકાર પ્રદિપ મહેતા તેમજ ભદ્રેશભાઈ દવે સહિતે સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ ડો. શિયાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ચાર વર્ષમાં ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નેશનલ હાઈ-વે વિસ્તરણ, સ્માર્ટ સીટી મિશન, બુલેટ ટ્રેન સહિતની સિધ્ધીઓ વર્ણવી હતી. તેમજ સાંસદ તરીકે પોતે ભાવનગરમાં કરેલા વિકાસ કામો અંગે જણાવેલ કે વર્ષોથી પેન્ડીંગ બ્રોડગેજ કન્વર્ઝરનું કામ પૂર્ણતાના આરે છે, કેન્દ્રીય વિદ્યાલય, આયૂર્વેદ કોલેજ, હાઈ-વેના કામો સહિત કરવામાં આવ્યા હોવાનું જણાવેલ. આ ઉપરાંત ભાવનગર – મુંબઈ તેમજ ભાવનગરથી સુરત અને અમદાવાદની એર ઓડીસા ફલાઈટ શરૂ કરાવી અને આગામી દિવસોમાં ભાવનગર એરપોર્ટમાં ફયુલ સ્ટેશન શરૂ કરવા તેમજ મુંબઈ ખાતે ટ્રાફીક હળવો કરવા ભાવનગર ખાતે ફલાઈટનું ઉત્તરાણ કરવા અંગેની પણ રજૂઆત કરીને તે કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.