આમ આદમી પાર્ટીએ ભાજપ સામે પરિવર્તનનું બ્યુગલ ફુંકતાં ત્રણ તબકકામાં ચૂંટણી પ્રચારની આજે જાહેરાત કરી હતી. ભાજપ ભગાડો પરિવર્તન લાવોના સ્લોગન સાથે પાંચ નવેમ્બર સુધી રાજયમાં પ૦ જગ્યાએ પરિવર્તન સંમેલનો યોજશે તેવું આપના સંયોજક ગોપાલરાયે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ત્યારબાદ બીજા તબકકામાં પરિવર્તન સભાઓ રાજયના અલગ અલગ સ્થળે ખાસ કરીને સુરત અને રાજકોટ, ગાંડલ અને ઉંઝા ખાતે પણ યોજવાની તેમણે જાહેરાત કરી હતી અને ત્રીજા તબકકામાં સામાજિક કાર્યકરો અને ભાજપની સામેના લોકોના સંમેલનો બોલાવવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
ભાજપને અહંકારી, અત્યાચારી અને લોકશાહીમાં અવાજ ઉઠાવનાર સામે બંદુક ચલાવી હત્યા કરનાર પાર્ટી ગણાવી હતી. ભાજપનો અહંકાર તોડી પરિવર્તન માંગતા સમાજના દરેક વર્ગ, લોકો, સંસ્થા, પક્ષ કે સંગઠનો સાથે વાતચીતના દ્વારા ખુલ્લા રાખવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે દિલ્હીમાં ૪૦૦ રૂપિયે વિજળી, ર૦ હજાર લીટર પાણી, સસ્તુ અને ગુણવત્તાયુકત શિક્ષણ તેમજ મહિલાઓ, અશકત અને વીકલાંગો માટે રૂ. રપ૦૦ નું પેન્શન આપના રાજયમાં અપાતુ હોવાનું જણાવી ગુજરાતમાં પણ લાગુ કરવાની ખાત્રી આપી હતી. આમ ભાજપના બુલેટની સામે બેલેટથી જવાબ આપી પરિવર્તનની જાહેરાત કરી હતી.