પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનાં અમલીકરણને લઇને રાજયમાં ખેડુતો અને સરકાર આમને-સામને છે.જે ખેડુત વિમો લેવા ઇચ્છતા ન હોય અને બેન્કમાંથી લોન લીધેલી હોય તો તેમને પુછ્યા વગર જ પ્રિમિયમ કાપી લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનો વિમો નોંધાવવા તા ૧૫મી જુલાઇ સુધીનો સમય અપાયો છે. લોન લેનારા ખેડુતો માટે છુટકો નથી. જયારે અન્ય ખેડુતોને પાક વિમામાં રસ નથી. ત્યારે જિલ્લામાં ફરી વિરોધ થાય તેવી શકયતા છે.
ગાંધીનગર જિલ્લા નાયબ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમાયોજનાને લઇને અખબાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વિમો લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર પ્રિમીયમ ભરીને નોંધણી કરાવવા જણાવવામાં આવ્યુ છે. પ્રિમીયમની ટકાવારીમાં કપાસ પિયતનાં પ્રિમિયમનાં દર ૫ ટકા, દિવેલાનાં પ્રિમીયમનાં દર ૨ ટકા, ડાંગર પિયતનાં દર ૨ ટકા તથા મગ, મગફળી, બાજરી તથા અડદનાં પ્રિમીયમનાં દર ૨ ટકા રાખવામાં આવ્યા છે. જેમાં કપાસ, ડાંગર, મગ, મગફળી તથા અડદનાં પાકનાં વિમાની નોંધણી માટે છેલ્લી તારીખ ૧૫મી જુલાઇ જાહેર કરાઇ છે. જયારે દિવેલા માટે ૩૧મી ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ અંગે યાદીમાં જણાવ્યાનુંસાર બેન્કો પાસેથી જિલ્લાનાં વિમા માટે નિયત નોટીફાઇડ પાક માટે ધિરાણ મેળવતા ખેડુતોને ફરજીયાતપણે વિમા યોજનામાં આવરી લેવામાં આવશે. જયારે બીન ધિરાણી ખેડુતો પણ પોર્ટલ પર નોંધણી કરાવીને વિમો લઇ શકે છે. વરસાદની અછત કે પ્રતિકુળ હવામાનનાં કારણે વાવણી ન થાય, ઉભો પાક દુષ્કાળ, અતિવૃષ્ટી, જમીન ધોવાણ, કુદરતી આગ, વિજળી પડવી, વાવાઝોડુ સહિતની કુદરતી આપતીમાં નુકશાન થાય તો વળતર મળે છે. જો કે ગાંધીનગર જિલ્લાનાં ખેડુતો આ વિમો લેવામાં હંમેશા નિરસ રહ્યા છે. કારણ કે ગાંધીનગર જિલ્લામાં વધારે વરસાદ પડે તો પણ કોઇ નુકશાન થયુ નથી. જે ખેડુત વિમો લેવા ઇચ્છતા ન હોય અને બેન્કમાંથી લોન લીધેલી હોય તો તેમને પુછ્યા વગર જ પ્રિમિયમ કાપી લેવામાં આવે છે.
ગત વર્ષે કલોલ પંથકમાં ભારે વરસાદનાં કારણે આંશિક નુકશાન થયુ હતુ. જેની સામે વળતર નહી તેવુ મળ્યુ હતુ. ત્યારે જિલ્લાનાં ખેડુતોને વિમા યોજનાનાં નુકશાનની ગણતરીનાં માપદંડો તથા વળતરની રકમ મુદ્દે ઘણા સવાલો છે અને વિમો લેવામાં પણ રસ જોવા મળ્યો નથી. પરંતુ લોન લેનારા ખેડુતો માટે કોઇ જ છુટકો ન હોવાથી આટલા ખેડુતો વિમાનાં ગ્રાહક મરજી ન હોવા છતા બની જાય છે.