શહેર નજીકના અધેવાડા ગામે જંગલી કુતરાઓએ એક રોઝડાના બચ્ચાને ઈજા કરતા જીવદયાપ્રેમીઓએ ઈજાગ્રસ્ત પશુને સલામતીપૂર્વક પ્રાથમિક સારવાર આપી વન વિભાગને સોંપ્યું હતું.
શહેરને અડીને આવેલા અધેવાડા ગામ આસપાસ મોટા પ્રમાણમાં રોઝડા-નિલગાય ઝુંડમાં વિચરણ કરે છે. તાજેતરમાં આવા એક સમુહમાંથી રોઝનું એક નાનુ બચ્ચુ તેની માતાથી વિખુટુ પડી જતા જંગલી કુતરાઓએ તેને નિશાન બનાવી હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યુ હતું. આ ઘટનાની જાણ અધેવાડાના જીવદયાપ્રેમી જીતેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ ગોહેલ વૃંદાવન ગૌશાળાવાળા ગોપાલભાઈ ભરવાડ સહિતના અન્ય જીવદયાપ્રેમીઓને થતા તેઓએ ઝાંઝરીયા રોડ પરથી ઈજાગ્રસ્ત બચ્ચાને સલામતીપૂર્વક પકડી પ્રાથમિક સારવાર-પાણી આપી ટેમ્પામાં મુકી ભાવનગર વન વિભાગને સોંપ્યું હતું. આમ જીવદયાપ્રેમીઓની સમય સુચક્તાને લઈની નિર્દોષ અબોલ પશુનો જીવ બચી જવા પામ્યો હતો.