જૂન માસ પૂર્ણ થયો છે અને વરસાદ માટેના હિન્દુ માસના જેઠના પણ ૧૮ દિવસ પસાર થયા છતા વાવણી લાયક વરસાદના કોઈ એંધાણ સુધ્ધા જેવા ન મળતા લોકમાનસ પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.
જેઠ માસના પ્રારંભે રાજ્યના કેટલાક ભાગોમાં ખંડવૃષ્ટિ થવા પામી હતી પરંતુ સત્તાવાર ચોમાસાના કોઈ નિશાન જૂન માસ પૂર્ણ થયે પણ જોવા નથી મળી રહ્યા. ભાવનગર શહેર-જિલ્લામાં લોકો આતુરતાપૂર્વક મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે. જેઠ માસના અઢાર દિવસ વિતવા છતાં અર્ધો ઈંચ પણ વરસાદ ન થતા અને તાપમાનનો પારો ૩૭ થી ૩૯ ડિગ્રી વચ્ચે રહેતા લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યાં છે.
ગત વર્ષે જૂન માસ પૂર્ણ થયે સરેરાશ પ ઈંચથી વધુ વરસાદ શહેર-જિલ્લામાં નોંધાયો હતો પણ ચાલુ વર્ષે માત્ર મહુવા તાલુકામાં ર થી ૩ ઈંચ જેવો વરસાદ નોંધાવા પામ્યો છે. સમયસર વરસાદ ન થવાના કારણે કૃષિ ક્ષેત્રે માઠી અસરો જોવા મળી રહી છે. છુટાછવાયા વિસ્તાર તથા કેટલાક પિયતવાળા વિસ્તારોને બાદ કરતા અન્યત્ર જગ્યાઓમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં નથી આવી.
મે માસના સમાપન સમયે સર્જાયેલ વાતાવરણ પરથી એવું જણાઈ રહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ વહેલુ બેસશે અને ગત વર્ષની વરસાદની ખાદ્ય પણ પુરી થશે પરંતુ દિવસો વિતતાની સાથે ચિત્ર બદાઈ ગયું છે. બપોરના સમયે આકાશમાં વરસાદી વાદળો ચોક્કસ ઘેરાય છે પરંતુ પશ્ચિમ દિશા તરફથી ફુંકાઈ રહેલ પવન આ વાદળોને વિખેરી દુર લઈ જાય છે. ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે. રાત્રે અને વહેલી સવારે ઉત્તર દિશાના ઠંડા પવનોના કારણે વરસાદી વાતાવરણ ન બનતું હોવાનો અભિપ્રાય જીજ્ઞાસુઓ આપી રહ્યાં છે. આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો ખરેખર વિકટ પરિસ્થિતિનું સર્જન થશે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યાં છે.