વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલના મેડીસીન વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સિવિલમાં અન્ય બિમારીઓ કરતા મેડીસીન વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધારો હોય છે. પરંતુ ઋુતુ ફેરફારની સાથે ઇન્ડોર બિલ્ડીંગમાં આવેલો મહિલા મેડીસીન વોર્ડ ફૂલ થઇ ગયો છે. દર્દીઓને જ્યાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે, તેવા મનોરોગી વોર્ડમાં સારવાર કરાઇ રહી છે. ત્યારે કર્મચારીઓથી લઇને દર્દીઓન હાલાકી વેઠવી પડી રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સત્તાધિશો દ્વારા અનેકવાર તઘલખી નિર્ણયો કરવામાં આવ્યા છે અને આવી રહ્યા છે. એકવાર આદેશ કર્યા પછી તેનુ પરિણામ શુ આવશે તેની કોઇ વિચારણા કરાતી નથી. હાલમાં ચોમાસાએ શહેરમાં દસ્તક દીધી છે. ત્યારે સિવિલના મહિલા મેડીસીન વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
એફ ૩ વોર્ડમાં સારવાર માટે રખાયેલા દર્દીઓને બ્લડીંગ કે છાતીનો દુઃખાવો શરૂ થાય તો ઇન્ડોર બિલ્ડીંગમાથી મનોરોગી વોર્ડમાં આવતા પહેલા દર્દીના રામ બોલી જઇ શકે છે. તેવા સમયે કોણ જવાબદાર રહેશે. રાત્રિ દરમિયાન ઘોર અંધકાર થઇ જાય છે. પાણી ટપકવાના બનાવો પણ બને છે. બે દિવસ પહેલા એક મહિલા દર્દી રાત્રિના સમયે બેડમાંથી ઉભા થવા જતા પાણીમાં લપસી પડ્યા હતા. બાદમાં તેમને માથામાં ઇજાઓ થઇ હતી. સદનશીબે બચાવ થયો હતો. પરંતુ જો મૃત્યુ પામ્યો હોય તો કોની જવાબદારી બની હોત? ત્યારે મહિલા મેડીસીન વોર્ડને ઇન્ડોર બિલ્ડીંગમાં જ વ્યવસ્થા કરવામાં આવે તેવી દર્દીઓ સહિત કર્મચારીઓની પણ માંગ છે અને રાતો રાત કરાતા તઘલખી નિર્ણયો બંધ કરવામાં આવે, કર્મચારીઓ સાથે ચર્ચા કર્યા બાદ વોર્ડ બનાવાય તેવી માંગ ઉઠી રહી છે. દરમિયાન સિવિલમાં આવી સ્થિતિમાં દર્દીઓને ફ્લોર પર બેડ આપવાની જગ્યાએ મનોરોગી, સ્કીનના દર્દીઓનો વોર્ડ છે, ત્યા રાખીને સારવાર કરાઇ રહી છે. જ્યારે આ જગ્યા ઉપર પુરતી વ્યવસ્થા પણ નથી. સારવાર કરવા માટે જરૂરી સાધન ઇસીજી મશીન પણ નથી.