ગુજરાત એક્સ એમ.એલ. એ. કાઉન્સિલની ૪૪મી કારોબારી તથા ૨૩મી જનરલ સભા આજે સરકીટ હાઉસ ગાંધીનગર ખાતે કાઉન્સિલના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં રાજ્યભરમાંથી ૬૪ જેટલા પૂર્વ અધ્યક્ષ, મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
એક્સ એમ.એલ.એ. કાઉન્સિલના ચેરમેન બાબુભાઇ શાહે જણાવ્યું હતું કે, રાજ્યના તેમજ પ્રજા કલ્યાણના વિકાસમાં પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના અનુભવનો લાભ આપી રહ્યા છે. પક્ષાપક્ષીથી પર રહીને રાજ્યના કલ્યાણ માટે સેવારત રહેવા પણ ચેરમેન શાહે ઉપસ્થિત તમામને અનુરોધ કર્યો હતો.
૨૩મી જનરલ સભામાં પૂર્વ ધારાસભ્યોએ પેન્શન, તબીબી સેવાઓમાં લાભ વધારવા, એસ.ટી. બસ, રેલવે અને વિમાન પ્રવાસમાં રાહત તેમજ રહેઠાણના પ્લોટ જેવા વિવિધ મુદાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત કાઉન્સિલ દ્વારા રાજસ્થાનના બાડમેર સુધી આવતી ઇન્દિરાનગર કેનાલનો લાભ કચ્છને સિંચાઇ માટે આપવામાં આવે તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સંસ્થાના દિવંગત સભ્યોને બે મિનિટનું મૌન પાળીને શોકાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના ગત વર્ષના હિસાબો સર્વાનુમતેથી પસાર કરવામાં આવ્યા હતા.