ભંડારિયા નાળા પરથી કેમીકલ ભરેલુ ટેન્કર ખાબક્યું

1807

ભાવનગર સોમનાથ ધોરી માર્ગ પરના ભંડારિયા ગામે આજે સવારે નાળા પરથી કેમીકલ ભરેલું ૨૨ વ્હીલનું મહાકાય ટેન્કર  ૨૫ ફૂટ નીચે ખાબકયું હતું જેના પગલે ભય સાથે નાસભાગ મચેલ. ટેન્કરમાંથી ઉડેલું કેમીકલ ગાયો પર પડ્યું હતું જ્યારે તીવ્ર દુર્ગંધને કારણે કેટલાકને આંખમાં  બળતરાની ફરિયાદ સાથે ગૂંગળામણ થતા ૧૦૮ મારફત ભાવનગર ખસેડાયેલ. દરમિયાનમાં ફાયર બ્રિગેડએ દોડી આવી ફોમનો છંટકાવ કરી સંભવીત આગની ઘટના નિવારી લીધી હતી.

ભાવ. તળાજા રોડ પરના ભંડારિયામાં રાજાશાહી વખતના ત્રણ નાળા તરીકે ઓળખાતા પુલની બંને બાજુની દિવાલ અને પુલનો કેટલોક ભાગ ઘણા સમયથી જર્જરીત થયેલો છે આ અંગે વારંવાર હાઇવે ઓથોરિટીનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી આખરે જે દહેશત હતી એ જ આજે થયું હતું ! કેમીકલ ભરી નીકળેલું ટેન્કર નં જીજે૧૨બીવી ૯૮૦૮ આજે તળાજા તરફથી ભાવનગર તરફ જઈ રહ્યું હતું ત્યારે આ નાળા પરથી પસાર થતા કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટેન્કર લગભગ ૨૫ ફૂટ નીચે નાળામાં ફસડાયું હતું અને ધડાકાભેર અવાજ સાથે ટેન્ક ફાટતા તેમાં ભરેલું પ્રવાહી કેમીકલ  ઉડયું હતું. અહીં નાળા નીચે બેઠેલી ગાયો પર કેમીકલ ઉડતા અને ટેન્કર પડવાનો અવાજ આવતા ગાયોમાં ભય સાથે ફફડાટ મચ્યો હતો જયારે નાળા પાસે રહેતા લોકો પણ ભય અને કુતૂહલના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ટેન્કરમાંથી લીક થયેલા કેમીકલના કારણે અહીં નાળા પાસે રહેતા ભરવાડ રેખાબેન જેસાભાઇ જોગરાણા (ઉ.વ.૩૮) અને તેમની બે દીકરીઓ અંકિતાબેન (ઉ.વ.૧૬) તથા રિધ્ધીબેન (ઉ.વ.૧૭)ને ગેસ ગળતરની અસરથી આંખ કાન અને ગળામાં બળતરાની ફરિયાદ સાથે ઉબકા આવતા ૧૦૮ મારફત સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ.

આ ઘટના બનતા હાઇવે ટ્રાફિક પોલીસના હે.કો ભરતસિંહ ગોહિલ, કો. હરદેવભાઈ અને જયદેવભાઈ જાદવ તથા વિપુલભાઈ પંડ્યા વિગેરેએ તુરંત જ ટ્રાફિક વ્યવસ્થા જાળવી સાથે પોલીસ કંટ્રોલને વાકેફ કરતા ઘટનાની ગંભીરતા સમજી ફાયર બ્રિગેડને જાણ કરાતા ભાવનગરથી ફાયર સ્ટાફે દોડી આવી ફોમનો છંટકાવ કરેલ જેથી આગ જેવી ઘટના બને નહીં.ફાયર સ્ટાફ પાસેથી વધુમાં ઉપલબ્ધ વિગતો મુજબ દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાં અત્યંત જવનશીલ પ્રકારનું ” બેન્જીન” કેમીકલ ભરેલું છે. કોઈ  બાજુમાં બીડી સળગાવે તો પણ તુરંત આગ ભભૂકી ઉઠે એટલું તિવ્ર જવનશીલ ગણવામાં આવે છે. ટેન્કરમાં ૨૦ કે.એલ જથ્થો ભરેલો હતો. દરમિયાનમાં સીટી ડીવાય એસપી મનીષ ઠાકર તથા ભાવનગર, વરતેજ અને ઘોઘા પોલીસ પણ સ્થળ પર પહોંચેલ અને ઘટનાની ગંભીરતા સમજી સલામતીના ભાગરૂપે  હાઇવે બંધ કરી રસ્તો ડાઈવર્ઝન કરાયેલ તેમજ સ્થાનિક રહીશોને ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડેલ. આ ઉપરાંત વીજ પુરવઠો પણ બંધ કરાયેલ.

ભાવનગર સોમનાથ ધોરીમાર્ગ પર બાવળોના ઝુંડ રોડ સુધી આવી ગયા

ભાવનગરથી તળાજા, મહુવા અને રાજુલા થઈ સોમનાથને જોડતા ધોરીમાર્ગની દરકાર નહીં લેવાતા વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને રોડ સુધી બાવળના ઝુંડ આવી જતા વાહન ચાલકોના જીવ પર જોખમ ઉભું થયું છે. ભાવ. સોમનાથના માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરાયો છે પરંતુ આ માર્ગ સતત ઉપેક્ષાનો ભોગ બન્યો છે. જંગલ કટીંગ જેવી સામાન્ય કામગીરીમાં પણ તંત્ર દુર્લક્ષય સેવી રહ્યું છે તેના પરથી આ બાબત ફલીત થાય છે.! હાલ હયાત રસ્તાને સમાંતર ચાર માર્ગીય નવા રસ્તાનું કામ ચાલી રહ્યું છે જેનો ધમધમાટ ઉપરાંત ભારે વાહનોની ભીડના કારણે આ રસ્તા પર નાના વાહનો લઈને પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે !

અલંગ, પીપાવાવ તરફથી આવતા અને જતા મહાકાય ટ્રેલર અને અન્ય માલવાહક વાહનો તેમજ બસ, કાર જેવા વાહનોનું ભારે ટ્રાફીક રહે છે જેને ધ્યાને લઇ આ રસ્તાને  ચાર માર્ગીય કરવાનું કામ હાથ ધરાયુ છે પરંતુ હાલમાં હયાત રોડની દરકાર નહિં લઇ તંત્રવાહકો ગંભીર અને ગુનાહિત કહીં શકાય તે પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે. જેનાથી દ્વિચક્રી વાહન ચાલકો પર જોખમ વધ્યું છે. ધોરીમાર્ગ  સુધી બાવળોની ડાળીઓ ફેલાઈ ગઈ છે ત્યારે આકસ્મીક સંજોગોમાં રસ્તાની બાજુમાં અનામત રખાયેલ જગ્યામાં વાહન ઉતારી પોતાની જાતને સુરક્ષિત કરવી મુશ્કેલ બન્યું છે. આથી અકસ્માતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.

Previous articleખેડુતોની ઉપવાસી છાવણીની મુલાકાતે કોંગ્રેસનાં આગેવાનો
Next articleમહાપાલીકા દ્વારા ૩ માસમાં ૭૦ કરોડની વસુલાત કરાઈ