લાંબા સમયની રાહ જોવરાવ્યા બાદ આખરે ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે. જેમાં આજે જિલ્લામાં સર્વત્ર હળવાઅભારે ઝાપટાથી લઈને બે ઈંચ સુધીનો વરસાદ પડ્યાના સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થાય છે. અનેક સ્થળે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો હતો. જયારે વરસાદથી લોકોમાં પણ આનંદ છવાયો હતો.
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડ્યા બાદ હવે ચોમાસુ સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું હોય તેમ છેલ્લા બે દિવસથી ગોહિલવાડમાં મેઘરાજાની પધરામણી થઈ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠના ગામોમાં આજે સારો વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ઘોઘા પંથકમાં જોરદાર બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તળાજા અને મહુવા પંથકના ગામડાઓમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભાવનગર શહેરમાં પણ આજે દિવસભર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. જયારે એરપોર્ટ રોડ ઉપર ધોધમાર વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત પાલિતાણા, ગારિયાધાર પંથકમાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડતા ઠંડક છવાઈ જવા પામી હતી.
ભાવનગર જિલ્લાના સિહોર, ઘોઘા, જેસર, પંથકમાં અડધો ઈંચ તેમજ ઉમરાળા અને વલ્લભીપુર પંથકમાં હળવા ભારે ઝાંપટા પડ્યા હતાં. આમ ભાવનગર જીલ્લામાં સર્વત્ર પડેલા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ થઈ જવા પામેલ છે અને વાવણીના કામમાં જોતરાયો છે.
રાત્રીના ૮ વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ
ભાવનગર ૩પ મી.મી.
સિહોર ૧૦મી.મી.
ઘોઘા ૧પ મી.મી.
વલ્લભીપુર ૦૪ મી.મી.
મહુવા ૪૬ મી.મી.
તળાજા પ૧ મી.મી.
પાલિતાણા ર૮ મી.મી.
ગારિયાધાર રપ મી.મી.
જેસર ૧૩ મી.મી.
ઉમરાળા ૦ર મી.મી.