કર્મચારીઓને રાહતદરે ઘરના ઘરની દિવાળી ભેટ સરકાર આપી શકે છે

714
gandhi5102017-2.jpg

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર દ્વારા લોકરંજક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજય સરકારના ૪ લાખ કર્મચારીઓને રીઝવવાનો સરકારે નિર્ણય લીધો હોવાનું આધારભૂત સરકારી સૂત્રોએ જણાવ્યું છે. ૪ લાખ જેટલા કર્મચારીને રાહતદરે પોતાનું ઘરનું ઘર મળે તે માટે ચૂંટણી પહેલાં સરકાર જાહેરાત કરી શકે છે.
જિલ્લાઓમાં કર્મચારીઓને રાહતદરે ફ્‌લેટ આપવા નવી નીતિ તૈયાર કરવાની કવાયત સરકારે હાથ ધરી છે. આ અંગેની દરખાસ્ત હાલ સીએમઓ સુધી પહોંચી છે, મુખ્યમંત્રી મંજૂરી આપે એટલે તેની જાહેરાત કરવામાં આવશે. અગાઉ ગાંધીનગરમાં માત્ર બિનબદલીપાત્ર કર્મચારીઓને પ્લોટ ફાળવવાની નીતિ હતી પરંતુ તેના ઉપર સુપ્રિમ કોર્ટના સ્ટેને કારણે હવે ફાળવણી અટવાઇ છે ત્યારે બદલીપાત્ર અને જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે સરકાર સર્વગ્રાહી નીતિ તૈયાર કરી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.
સરકારે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ એક સહકારી સોસાયટી બનાવી મકાન મેળવવા અરજી કરે તે પ્રમાણે મહેસૂલ વિભાગ રાહત દરે પ્લોટ ફાળવશે. સ્થાનિક સત્તામંડળ, નગરપાલિકા કે હાઉસીંગ બોર્ડ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્‌લેટ બાંધી આપશે. જમીનની કિંમત, ફ્‌લેટની કિંમત સહિતની બાબતો નક્કી કરવાની કવાયત ચાલી રહી છે.રાજ્ય સરકાર હસ્તકના સીધા કર્મચારીઓને નોકરીના જિલ્લામાં મકાન ન લેવું હોય તે વતનના જિલ્લામાં અરજી કરી શકે તેવી પણ જોગવાઇ રખાશે. તેમજ નોકરીમાં સળંગ ૫ વર્ષ પુરા કર્યા હોય તેઓ મકાન માટે અરજી કરી શકશે. સૂત્રો મુજબ શહેરી વિસ્તારોમાં જમીન ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શહેરથી નજીક સત્તામંડળ વિસ્તાર કે તેની આસપાસમાં મહેસૂલ વિભાગ પ્લોટ આઇડેન્ટીફાઇ કરશે અને તેના ઉપર ટાવર ટાઇપ ઇમારત બનાવીને ફ્‌લેટની ફાળવણી કરશે.

Previous articleઅહીંનાં લોકોમાં સચ્ચાઈ અને ઇમાનદારી છે
Next articleસ્વર્ણિમ સંકુલના ગેટ પર પ્રદિપસિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા દલિતોની અટકાયત કરાઈ