શહેરનાં સેકટર ૨૭ની એકતા કોલોનીમાં ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં રહેતા પરીવારનાં મોટા ભાગે બંધ રહેતા મકાનમાં સોમવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો નકુચો તોડીને રૂ.૧ લાખ ભરેલો ગલ્લો તથા સોના ચાંદીનાં દાગીનાં મળીને કુલ રૂ.૧.૩૯ લાખની મત્તા ચોરી ગયા હતા. મંગળવારે સવારે પડોશીએ મકાનનો દરવાજો ખુલ્લો જોતા ચોરી થયાનું લાગતા મકાન માલીકને જાણ કરતા દોડી આવ્યા હતા અને સેકટર ૨૧ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.
ગાંધીનગરનાં સેકટર ૨૭ની એક્તા કોલોનીમાં પ્લોટ નં ૬૯૬માં મકાન ધરાવતા ભાવેશકુમાર ગોવીંદભાઇ પટેલ હાલ અમદાવાદનાં દસક્રોઇનાં નંદનબાર ફાર્મ હાઉસ ખાતે રહે છે અને વેપારી છે.
મંગળવારે સવારે ગાંધીનગર એકતા કોલોનીમાં રહેતા તેમનાં પડોશીનો ફોન આવ્યો હતો અને તેમનાં ઘરનો દરવાજો ખુલ્લો તથા નકુચો તુટેલો હોવાનું જણાવ્યુ હતુ. ભાવેશભાઇ તાત્કાલીક ગાંધીનગર દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા સામાન વેર વીખેર તથા કબાટો ખુલ્લા જોવા મળ્યો હતો. ચોરાયેલી ચિજોની તપાસ કરતા આશરે રૂ.૧ લાખ ભરેલો પતરાનો ગલ્લો, સાત ગ્રામ વજનની સોનાની બુટ્ટીઓ, આશરે ૧૦ ગ્રામ વજનની સોનાની વીંટી, ચાંદીની થાળી તથા નાના બાળકને હાથમાં પહેરવાની કડલાની જોડ મળીને કુલ રૂ.૧.૩૯ લાખની મત્તા ચોરાઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ.
પોલીસને ચોરી અંગે જાણ કરતા સેકટર ૨૧ પોલીસનાં પીએસઆઇ બી જી ખરચરીયા સ્ટાફ સાથે દોડી દોડી ગયા હતા. જેમાં તસ્કરો દ્વારા મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલનો નકુચો તોડીને ઘુસ્યા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે સ્થળ પર પંચનામુ કરીને ભાવેશભાઇની ફરીયાદ લઇને આ દિશામાં તપાસ હાથ ધરી છે.