તાજેતરમાં જ બોરસદના ભાદરણિયા ખાતે એક દલિત યુવકની હત્યા અને કલોલના લિંબોદરામાં રહેતા દલિત કિશોર પર કરવામાં આવેલા હુમલાને લઇને દલિત સમાજમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વધી રહેલા દલિતો પરના અત્યાચારોને લઇને દલિત સમાજના લોકોએ બુધવારે વિધાસભા ગેટ નં. એક પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દેખાવો કર્યા હતા. તેમજ મંત્રી પ્રદિપસિંહ જાડેજા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી.
દલિતો પર થઈ રહેલા કથિત હુમલાના વિરોધમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું રાજીનામું માગવા જતા પહેલા જ દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીંબોદારામાં થયેલા હુમલાના વિરોધમાં ગૃહ રાજ્યમંત્રી નું રાજીનામુ માંગવા જઈ રહેલા જીગ્નેશ મેવાણીને સવારથી નજર કેદ કર્યા બાદ બપોરે તેમની અટકાયત કરી મેઘાણી નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
એ ઉપરાંત કેટલાક દલિત આગેવાનોએ ગાંધીનગર સચિવાલય નજીક પણ દેખાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સુબોધ પરમાર, કૌશિક પરમાર, દીક્ષિત પરમાર, યશ મકવાણા, મુકેશ શાહ, ભરત શાહ, અશ્વિન વાઘેલા સહિત અનેકને સૂત્રોચાર કરતા વિધાનસભા ગેટ નં.૧ નજીકથી પોલીસે ડિટેઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.