શહેરમાં ૧૪ જુલાઈએ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાજી રથ પર સવાર થઇને નગરયાત્રાએ નીકળશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રાના પર્વનો એક અનેરૂં મહત્વ જોવા મળે છે. જો કે અષાઢી બીજના તહેવારને હેવ ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરે તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જ્યારે મોસાળ પક્ષથી મામેરું ચઢાવનાર યજમાન પરિવારે લોકોના દર્શનાર્થે મુક્યા છે.
ભગવાન જનગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને મોસાળમાં મામેરું ચઢાવવા માટે છેલ્લા ૪૦ વર્ષથી બુકિંગ પ્રથા ચાલી રહી હતી. તાજેતરમાં જ સરસપુર સ્થિત રણછોડજી મંદિરનું ટ્રસ્ટ બદલાતા આ વ્યવસ્થા બદલીને નવી ડ્રો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પ્રથા શરૂ કરતા પહેલાં જે ભક્તોનું એડવાન્સ બુકિંગ હતું તેમની પણ સહમતિ લેવાઈ હતી. આ પછી ડ્રો કરવામાં આવ્યો હતો. ૧૮ ભક્તોએ તેમાં લાભ લીધો હતો. ડ્રોમાં સરસપુરના રહેવાસી મીનાબહેન ધીરૂભાઈ બારોટની યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું છે.
જ્યારે આ ડ્રોમાં ૨૦૨૨ સુધીના યજમાન નક્કી કરાયા છે. મામેરૂ ચઢાવવા માટે યજમાન બનેલા મીનાબહેનના પતિ ધીરૂભાઈએ જણાવ્યું કે, ૧૮ વર્ષ પહેલા મીનાબહેનને મામેરૂ ચઢાવવા સ્વપ્ન આવ્યું હતું. એ સમયે તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ દર વર્ષે ભગવાનના મંદિરે સાડી ચઢાવતા હતા. યજમાન પરિવાર દ્વારા ભગવાનને ચઢાવવામાં આવનાર મામેરામાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછીંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવ્યા છે. આ તમામ વસ્તુઓ લોકોના દર્શનાર્થે યજમાનના ઘરે શણગારશેરીમાં મુકવામાં આવી છે.