મુખ્યમંત્રીના હસ્તે ભારતના સૌથી મોટા બિઝનેસ સેન્ટરનું ઉદઘાટન

1003

ગુજરાતમાં આવતીકાલ ગુરૂવારથી જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ થશે.  વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવાના જે પ્રયાસો કર્યા તેના ફળદાયી પરિપાક રૂપે જાપાન ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે.

જાપાનના ૮૦ જેટલા ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરૂ થતાં જાપાનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સંસ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જેટ્રોના ચેરમેન અને સી.ઇ.ઓ. હિરોયુકિ ઇશીગે અને મુંબઇ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલની ઉપસ્થિતિમાં આ બિઝનેસ સેન્ટરનો શુભારંભ કરાવશે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, સપ્ટેમ્બર ર૦૧૭માં જાપાનીઝ પ્રધાનમંત્રી શીંઝો એબેની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા. અમદાવાદમાં કાર્યરત થનારૂં આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે.  આવતીકાલે ગુરૂવારે સવારે ૧૦-૩૦ કલાકે આ સેન્ટરના પ્રારંભનો સમારોહ હોટલ ક્રાઉન પ્લાઝા સીટી સેન્ટર એસ.જી. હાઇવે ખાતે યોજાવાનો છે.

Previous articleભક્તોના દર્શનાર્થે ખુલ્લુ મુકાયુ ભગવાન જગન્નાથજીનું મામેરું
Next articleદુષ્કર્મના ગુનામાં ફરાર વડલીનો શખ્સ ઝડપાયો