ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબધ્ધ પાર્ટી ગણાય છે પરંતુ આંતર કલહ કે જુથબંધીથી તે પણ બાકાત નથી તેવો રાજયમાં કદાર પ્રથમ બનાવ ગાંધીનગરમાં બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હાલના ડે.સીએમ નીતિનભાઈ પટેલે લગભગ ર૦૧૪ આસપાસ ગાંધીનગર ગુડા વિસ્તારમાં કેટલાક મકાન અને યોજનાઓનું ભૂમિપુજન અને લોકાર્પણ કર્યું હતું. તે વખતે જે તે મકાન કે યોજનામાં સામાન્ય રીતે તારીખ-નામ – હોદ્દા વાળી તકતીઓ મુકાઈ હતી. આવી બે-ત્રણ યોજના – પ્રોજેકટ, મકાનની તકતીઓને છેલ્લા ૬ માસથી વધુ સમયથી ઉખાડીને એક જગ્યાએ ભેગી કરી કચરામાં – ગોડાઉનમાં મુકી દેવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
સામાન્ય રીતે કોંગ્રેસે કરેલા જે તે વખતના ઉદઘાટન – લોકાર્પણની તકતીઓ આજે પણ તેમના નામ અને તવારીખ સાથે અકબંધ જોવા મળે છે. તેવા સંજોગોમાં ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા પાછળ આ કૃત્ય કોણે કર્યુ અને કોના ઈશારે કરવામાં આવ્યુ તે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે અત્યારે ગુડાના ચેરમેનનો ચાર્જ આશિષ દવે સંભાળી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીમાં પણ જુથબંધીની ચરમસીમા આ બનાવને આગામી આવતી ચૂંટણીઓના સંદર્ભે લોકો મહત્વની ગણાવી રહ્યા છે અને આ વફાદારીનો ખેલ જે કોઈ રાજકીય નેતા રમી રહ્યા હોય તે કોનો હાથો બની આવુ અન્ય પક્ષો પણ ન કરે તેવું કૃત્ય કરી રહ્યા છે તે શહેરમાં અને સચિવાલયમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ચૂંટણી ટાણે જ આંતર કલહ -ટાંટિયા ખેંચ હવે સામાન્ય સિધ્ધાંતો પણ નેવે મુકીને કરવામાં આવે તો ભાજપમાં સમય જાય તેમ વિગ્રહ વધે તો નવાઈ નહી..