દેવુબાગમાં મંદિર હટાવતા લોકોમાં રોષ

1771

શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલી ડેરી રોડ પરના હનુમાનજી મંદિર રોડ વિકાસમાં બાધા રૂપ હોય જેને મોડી રાત્રે મહાપાલિકાના અધિકારીગણે ડીમોલેશ હાથ ધરી તોડી પાડતા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા વિકાસ કાર્યોમાં બાધારૂપ દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના નિલમબાગ સર્કલથી જવેર્લ્સ સર્કલને જોડતા ડેરી રોડ પર દેવુબાગ પટ્ટણી પ્લાઝા સામે રોડ વચ્ચે હનુમાનજી મંદિર આવેલુ હતું. આ મંદિર રોડ વિકસાવવામાં બાધારૂપ હોય જેને હટાવવા માટે તંત્રએ પુજારીને અવાર-નવાર નોટીસો પાઠવી આ મંદિરનું દબાણ સ્વયં હટાવી લેવા તાકીદ કરી હતી. પરંતુ લાંબો સમય વિતવા છતાં આ દબાણ ન હટાવતા ગત મોડી રાત્રે ર વાગ્યાના સુમારે એસ્ટેટ વિભાગનો કાફલો દેવુબાગ પહોંચી મંદિર તોડી પાડ્યું હતું.

આ બનાવની જાણ સવારે શ્રધ્ધાળુઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના કિરીટ મિસ્ત્રી તથા રથયાત્રા સમિતિના હરૂભાઈ ગોંડલીયાને  થતા મોટી સંખ્યામાં બનાવ સ્થળે એકઠા થયા હતાં. અને રોડ પર ચક્કાજામ કર્યો હતો. લોકોમાં ઉઠેલી ચર્ચા મુજબ જાહેર વિકાસ કાર્ય માટે તંત્રને લીલાછમ વૃક્ષો તથા લોક આસ્થાના પ્રતિક સમાં મંદિરોજ કેમ નજરે ચડે છે ? રોડ રસ્તા માટે અનેક માથાભારે આસામીઓની મિલ્કતો વિજપોલ સહિતની બાબતો બાધારૂપ હોવા છતા તે દબાણો સામે તંત્ર આંખ આડા કાન શા માટે કરી રહ્યું છે ? છેલ્લા ત્રણ દિવસથી મહાપાલિકા દ્વારા લોકોની આસ્થા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જે બીલકુલ ઉચીત નથી. વિકાસ કામ માટે મંદિરો બાધારૂપ હોય તો સન્માન પુર્વક દુર શા માટે નથી કરવામાં આવી રહ્યા ? લોકોની ધાર્મિક લાગણીઓ જેવી સંવેદનશીલ મુદ્દાને લઈને જનતા કયારેય સાંખી નહી લે તંત્રએ કાર્ય એ રીતે કરવું જોઈએ કે લોકોના દિલને લાગણીને ઠેસ ન પહોંચે આ બનાવ સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદ સહિત હિંદુ સંગઠનોએ ભારે રોષ વ્યકત કર્યો હતો.

સુલેહ શાંતી ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે

શહેરમાં આગામી દસ દિવસ બાદ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે ભાવનગર મહાપાલિકા કમિશ્નર ગાંધીના ઈશારે મંદિરો તોડવાનું નિંદનીય કૃત્ય કરવામાં આવી રહ્યું છે તે લોકોમાં વૈમનસ્ય ફેલાવવા તથા જાહેર સુલેહ શાંતીના ભંગ કરવા માટે જ કરવામાં આવી રહ્યું છે. એક તરફ કમિશ્નર રથયાત્રા અનુસંઘાને યોજાયેલ બેઠકમાં સહયોગની ખાત્રી આપી અને બીજી તરફ મંદીર તોડવાના આદેશો આપે છે. જે કેટલી હદે ઉચીત ગણી શકાય ?

– હરૂભાઈ ગોંડલીયા, અધ્યક્ષ રથયાત્રા કમિટી

Previous articleનાળામાં પડેલુ ટેન્કર બહાર કઢાયું
Next articleશિક્ષણાધિકારી કચેરી સામે કોંગ્રેસનું હલ્લાબોલ