શહેરમાં સામાન્ય વરસાદે પણ ગંદકી અપાર

1543

શહેરમાં નજીવો વરસાદ થતાની સાથે ચારે તરફ ગંદકી ગોબરવાડા સાથે કચરના મસમોટા પૂંજ નજરે ચડી રહ્યાં છે. ભાવનગર મહાપાલિકામાં જાહેર સાફસફાઈ વિભાગમાં ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓ તથા સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ દર મહિને મોટી રકમનો દરમાયો (પગાર) મેળવે છે. પરંતુ પોતાની નૈતિક ફરજ તથા નિષ્ઠા વિસરી ચુક્યા છે. મોટાભાગના સફાઈ કામદારો હરામનો જ પગાર ખાઈ રહ્યાં છે. કારણ કે શહેરમાં હજુ નામ માત્રનો જ વરસાદ થયો છે ત્યારે નાના-મોટા પ્રત્યેક વિસ્તારોમાં ઠેકઠેકાણે મોટી માત્રામાં પડેલ કચરો તથા રૂટીન સાફસફાઈના અભાવે સામાન્ય વરસાદને લઈને વરસાદી પાણી કચરા સાથે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે.

શહેરની શાકમાર્કેટ, કુંભારવાડા, ક.પરા, નવાપરા સહિત અનેક વિસ્તારોમાં પગપાળા અગર વાહન સાથે પસાર થવું પણ મુશ્કેલ છે. એ હદે ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે. અધુરામાં પુરૂ કુડા કચરામાં કોહવાણ થતા અત્યંત દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત મિશનની પીપુડી વગાડી રહી છે ત્યારે નઘરોળ અને રીઢા તંત્ર માટે લોક હાલાકી જાણે રૂટીન હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોમાં સ્થાનિક પ્રશાસન તંત્ર જાહેર સાફસફાઈને લઈને ખૂબ જ એલર્ટ છે માટે ર૪ કલાક સાફસફાઈ દ્વારા શહેરને ચોખ્ખુ ચણક રાખવામાં આવે છે. ઉપરાંત લોકોને પણ ચુસ્તપણે ફરજ પાડવામાં આવે છે પરંતુ ભાવનગર મહાપાલિકા તંત્રને આવી શાન ક્યારે આવશે તે ભગવાન જાણે ?!

Previous articleકોન્ટ્રાકટર પર ખંડણી મામલે ફાયરીંગ
Next articleઅર્ષિલે એટલાન્ટામાં ભાવેણાનું નામ રોશન કર્યુ