ભાવનગર શહેરના મુળ વતની અને વ્યવસાય અર્થે અમેરિકામાં સ્થાયી થયેલ એક પરિવારના નવ યુવાને સ્થાનિક પોલીસ ડીપાર્ટમેન્ટમાં નિષ્ઠાપૂર્ણ ફરજ બજાવી બેંક લૂંટી ભાગી રહેલ અપરાધીઓને પડકારી બે ગુનેગારોને પકડી પાડી લાખ્ખોની લૂંટ થતા બચાવી છે.
ભાવનગરનો રપ વર્ષિય યુવાન અર્ષિલ એસ. મરચન્ટએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ શહેરના ઘોઘારોડ પર આવેલ ફાતીમા કોન્વેન્ટ સ્કુલમાં પૂર્ણ કર્યા બાદ પરિવાર સાથે અમેરિકાના જ્યોર્જીયાના એટલાન્ટા સીટીના વોડબરી ગામમાં વ્યવસાય અર્થે સ્થાયી થયા છે. બાલાવય તથા યુવાનીના આરંભે દરેક પ્રકારે સંઘર્ષ કરી સાત સમુદ્ર પાર જઈ વસેલ યુવાન અર્ષિલ ઉર્ફે આદી મરચન્ટએ સ્થાનિક કક્ષાએ કસોટીઓ પૂર્ણ કરી સૌપ્રથમ સ્થાનિક જેલમાં કલેક્શન ઓફિસર તરીકે જોબ પ્રાપ્ત કરી પોતાની કેરીયરનો ઘડતરનો મજબુત પાયો સ્થાપ્યો હતો ત્યારબાદ આ આશાસ્પદ યુવાને પોતાના પરાક્રમ તથા કાબેલીયતના જોરે એફબીઆઈ સ્થાનિક પોલીસ વિભાગમાં જોડાયો હતો. ૧૬ માસ જેવી હાર્ડ ટ્રેનીંગ બાદ વોડબરી ટાઉનની સુરક્ષા વિભાગની જબરી જવાબદારી આ યુવાનને સોંપવામાં આવી હતી. પારકો અને અજાણ્યા મલકમાં ડગલે ને પગલે અનેક પ્રકારના પડકારો સાથોસાથ ગંભીર અપરાધીઓ વચ્ચે અત્યંત નિડર અને સાહસવૃત્તિ તથા પૂર્ણ ઈમાનદાર એવા અર્ષિલએ દોઢ વર્ષના ફરજ કાળ દરમ્યાન કુખ્યાત-ખુંખાર અપરાધીઓને ભોં ભીતર કરી સ્થાનિકોને નિર્ભય કર્યો છે. તાજેતરમાં વોડબરી ગામમાં આવેલ સેન્ટ્રલ બેંકમાં ૪ ધાડપાડુઓ અત્યાધુનિક શસ્ત્રો સાથે બેંક લૂંટવા પહોંચ્યા એ સમયે બેંકમાં ફરજ રત એક મહિલા કર્મીએ ૯૧૧ પર કોલ કરી સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને વાકેફ કરતા આ જ વિસ્તારમાં પેટ્રોલીંગ પર રહેલ પોલીસ કર્મી અર્ષિલને આ કોલ મળ્યો હતો. આથી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જવાન ઘટના સ્થળે પહોંચ્યો હતો. બરાબર એ જ સમયે લૂંટારૂઓ બંધુકની અણીએ મસમોટી રોકડ રકમ લૂંટી ફરાર થઈ જવાની ફીરાકમાં હતા તે વેળા પોલીસ જવાન અર્ષિલનો ભેટો થઈ જતા તેણે લૂંટારૂઓને હથિયાર ફેંકી શરણે થઈ જવા ચેતવણી આપી હતી પરંતુ લૂંટારૂઓએ પોતાની પાસે રહેલ ગનમાંથી ધડાધડ ફાયરીંગ કરતા વળતા જવાબમાં જવાને પણ પોતાની સર્વિસ રીવોલ્વરમાંથી રાઉન્ડ ફાયર કરતા સામસામી ગોળીઓની રમઝટ જામી હતી. આ ઘટના સમયે બે અપરાધીઓ થોડી રકમ સાથે કારમાં નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. જ્યારે બે આરોપીઓએ હથિયારો નીચે મુકી પોલીસ જવાન સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી એ દરમ્યાન અન્ય પોલીસ જવાનોએ આવી મોર્ચો સંભાળી બે અપરાધીઓને હિરાસતમાં લીધા હતા. આમ પોતાના જીવન પરવાહ કર્યા વિના ભાવેણાના યુવાને હિંમતભેર લૂંટારૂઓને પડકારી લાખ્ખોની રકમ લૂંટ થતા બચાવી હતી. આ સાહસીક કદમ બદલ પોલીસ જવાનની ચોમેર પ્રસંશા થઈ રહી છે.
પ્રસંશાનો હક્કદાર હું નહીં બેંક કર્મચારી છે
ગંભીર અપરાધની ઘટના સમયે સાચી સમય સુચકતા વાપરી જે હિંમતથી બેંકની મહિલા કર્મીએ પોલીસને જાણ કરી એ વ્યક્તિ અભિનંદનને પાત્ર છે. હું નહીં કારણ કે આવી વિપત વેળાએ પોલીસને જાણ કરવી એ જ સૌથી હિંમતનું કાર્ય છે.
– અર્ષિલ એચ. મરચન્ટ,
પોલીસ અધિકારી,
વોડબરી વિલેજ, એટલાન્ટા