આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલી ના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત હતા.
રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં આદિજાતિ વિભાગની નવતર પહેલ અને સિદ્ધિઓ અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. આદિજાતિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જેનાથી રાજ્યપાલે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
રાજ્યપાલે યોજનાકીય લાભો વધુને વધુ લોકો સુધી ઝડપથી પહોંચે તે માટે વિવિધ રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે તેનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં આદિજાતિ વિભાગ દ્વારા કરાયેલ નવી પહેલ, સિદ્ધિઓની છણાવટ કરાઇ હતી. તેમજ આદિજાતિ લોકો માટે કામ કરતી સહયોગી સંસ્થાઓની કામગીરી, શિક્ષણ, આરોગ્ય, માર્ગ, પાણી, શહેરી વિકાસ, લાઇવલીહુડ થકી એમ્પ્લોયમેન્ટ, પરંપરાગત આદિવાસીના કલા-હુન્નર માટે અપાતી તાલીમ, વન અધિકાર કાયદો, દાહોદ અને પંચમહાલ જેવા પ્રભાવી જિલ્લાઓમાં થતી કામગીરી, પેસા કાયદો, ગેરકાયદે ખનીજનું ખોદકામ, હાટ બજાર, એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. જેમાં રાજ્યપાલે રસપૂર્વક ભાગ લઇ રચનાત્મક સૂચનો કર્યા હતા.
આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ તેમજ નવતર આયામો અંગે વિસ્તૃત માહિતીથી સૌને માહિતગાર કર્યા હતા. આ બેઠકનું આદિજાતિ વિભાગના સચિવ સી.આર.મીનાએ સંચાલન કરીને યોજનાકીય માહિતીથી રાજ્યપાલ તથા અધિકારીઓને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં આાદિજાતિ કમિશનર રંજીતકુમાર, ડી-સેગના સીઇઓ જે.કે.ગઢવી, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના સીઇઓ જે.ટી.અખાણી સહિત આદિજાતિ વિભાગના અધિકારીઓ, પ્રાયોજના વહીવટદારોએ ઉપસ્થિત રહીને પરામર્શ કર્યો હતો.