શહેરના મુખ્ય માર્ગો પર આધુનિક ટેકનોલોજીની વાતો કરીને લગાવેલા સ્ટ્રીટ લાઇટના પોલ પરની એલઇડી લાઇટો ઝરમરીયા વરસાદમાં બંધ થતાં માર્ગ પર અંધાર પટ્ટ છવાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ૧૮ હજાર સ્ટ્રીટ લાઇટો એલઇડી લાઇટો લગાવવામાં આવી છે. જે લાઇટોને હજુ માત્ર ૧ વર્ષ જેટલો સમય થયો છે. ત્યારે હાલ વરસાદી મોસમના પ્રારંભે આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં શું પરિસ્થિતિ હશે તે જોવુ રહ્યું.
સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત તંત્ર માર્ગ પરની લાઇટોનું સમારકામ કરવાનું ભુલી જતાં પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સ્માર્ટ સિટીના ભાગરૂપે ઘ માર્ગ, સરગાસણથી વાવોલ માર્ગ, કુડાસણ, જીઆઇડીસીથી વાવોલનો માર્ગ અને આંતરીક વિસ્તારોમાં એલઇડી લાઇટો લગાવાઇ છે. બંધ લાઇટોના કારણે માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સામ-સામેથી આવતાં વાહનો અંધારામાં ટક્કર થવાની સંભાવના વધી જાય છે.