રાજકોટમાં પાણી પછી કોઇ પ્રશ્ન હોય તો તે છે ટ્રાફિક, ટ્રાફિક સમસ્યાને લઇ રાજકોટની પ્રજા પરેશાન થઇ ગઇ છે. શહેરના અમુક વિસ્તારમાં ટ્રાફિકને લઇને એટલી મુશ્કેલી છે કે, ત્યાંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. એમાં એક છે ગોંડલ ચોકડી, પરંતુ સારા સમાચાર એ છે ગોંડલ ચોકડીએ હવે ગુજરાતનો પ્રથમ ૬ લેન બ્રિજ બનશે તેવી જાહેરાત સરકારમાંથી થઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. ૮૮ કરોડના ખર્ચને કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે. રૂપાણી સરકારે ઘણા સમયથી માંગ કરી હતી. જેને આજે કેન્દ્રએ સ્વીકારી હતી. લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રૂપાણીના હોમટાઉનમાં બ્રિજને મંજૂરી આપતા ચૂંટણીને ધ્યાને રાખી જાહેરાત કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રાજકોટ-પોરબંદર હાઈ-વેને જોડતા એલિવેટેડ બ્રિજને આજે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. રાજકોટના ગોંડલ રોડ ચોકડી પરથી સીધા પોરબંદર હાઇવેને જોડતા ૧.૨ કિલોમીટરના આ સીક્સ લેન બ્રિજ માટેના ૮૮ કરોડના ખર્ચને પણ બહાલી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મંજૂરીની સાથે જ ગુજરાતનો સૌપ્રથમ સીક્સ લેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બ્રિજનું કામ પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવશે અને અંદાજે બે વર્ષની અંદર તેનું કામ પૂર્ણ કરી નાખવામાં આવશે.