આગામી તારીખ ૧૪ જૂલાઇના રોજ અમદાવાદમાં જગન્નાથ મંદિરની રથયાત્રા છે ત્યારે આ રથયાત્રાના દર્શન કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે. જેમાં રથયાત્રાના આગળના દિવસની સંધ્યા આરતીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવે તેવી શક્યતાઓ છે. અમદાવાદની રથયાત્રા વર્ષોથી ધાર્મિક લાગણીઓની સાથે કોમી એકતા માટે પણ પ્રખ્યાત બની ગઇ છે.
રથયાત્રામાં સામાન્ય રીતે વિરોધ પક્ષના સભ્યો આગલા દિવસની સંધ્યા આરતીમાં ભાગ લેતા હોય છે. પરંતુ સૌપ્રથમ વખત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૩ જૂલાઇએ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને સંધ્યા આરતીમાં ભાગ લેશે. સામાન્ય રીતે મંદિરમાં જવાનું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ટાળતા હતા. પરંતુ ગુજરાતની વિધાનસભાની ચૂટંણી સમયે રાહુલ ગાંધીએ ગુજરાતના અનેક મંદિરોએ જઇને દર્શન કર્યા હતા. ત્યારથી રાહુલ ગાંધી અન્ય રાજ્યોના મંદિરોમાં પણ જવા લાગ્યા છે. તેનાથી અમદાવાદના જગન્નાથ મંદિરનું ધાર્મિક મહત્વ ખુબજ વધુ હોવાથી રાહુલ ગાંધીએ પણ મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી છે. પરંતુ કોંગ્રેસના આગેવાનો અને સુરક્ષા અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીની જગન્નાથ મંદિરની મુલાકાત અંગે અવઢવમાં છે.