ગુજરાતમાં કોંગ્રેસમાંથી સિનિયર કોળી આગેવાન કુંવરજી બાવળિયાને ભાજપમાં જોડ્યા પછી રાજકીય વાતાવરણમાં ગરમી આવી છે તેવા સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ રાજયની મુલાકાત દરમિયાન પ્રદેશના આગેવાનો સાથે ઔપચારિક બેઠક યોજવા સાથે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે એમાં ૧૪ જુલાઇના રોજ અમદાવાદ-ગાંધીનગર નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાને સંબોધન કરવાના છે. પ અધ્યક્ષ અમિત શાહ ૧૩મીએ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. બીજા દિવસે વહેલી પરોઢે અષાઢી બીજ નિમિત્ત્।ે અમદાવાદના જગપ્રસિદ્ઘ જગન્નાથ મંદિરથી નીકળનારી પરંપરાગત રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લેશે. ત્યાર બાદ સવારે ૯.૩૦ વાગે અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસ ખાતે બે દિવસ માટે યોજાનારી યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયામાં રાજયની એકસો કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરશે. યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સત્રમાં અમિતભાઇની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેવાના છે. ૧૫ જુલાઈએ સમાપન સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો પરસોત્તમ રૂપાલા અને રાજયવર્ધનસિંહ રાઠોર ઉપસ્થિત રહેશે.