અમદાવાદ, તા.૫
પીએમ નરેન્દ્ર મોદી આગામી ૨૧ અને ૨૨ જુલાઈના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર નજીક આવેલી ફોરેન્સિક યુનિવર્સિટી અને પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત રાજકોટમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરે એવી શક્યતાઓ છે. તેમજ ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ અંગે બીજેપી નેતાઓ સાથે ચર્ચા કરશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અનેક સભાઓ કર્યા બાદ પીએમ મોદી નવી રૂપાણી સરકારના શપથવિધિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં તૈયારીઓના ભાગરૂપે મુલાકાતે આવી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન તેઓ બીજેપીના કેટલાક ચોક્કસ નેતાઓ સાથે પણ લોકસભા ચૂંટણી ઉપરાંત ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
પીએમ મોદી ૨૧મીએ બપોર બાદ ગુજરાત આવશે અને ૨૨ જુલાઈએ બપોર બાદ દિલ્હી જવા રવાના થશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.