કુડાસણના કાનમમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે જેના પગલે ગઇકાલે આ વિસ્તારની ૨૧ સોસોયટીના ૨,૫૮૯ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે આજે ૮૧ જેટલી કન્સ્ટ્રક્શન સાઇટની તપાસ કરાઇ હતી જેમાંથી કુલ ૧૧૬ જગ્યાએ મચ્છરોનું બ્રિડીંગ મળી આળ્યું છે તેથી તેમને નોટિસ આપવામાં આવી છે.
ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવા પાછળ સૌથી મોટો ફાળો કન્સ્ટ્રક્શન સાઇટનો હોય છે અહીં કામ કરતા મજુરો પરપ્રાંતિય હોય છે અને તે આરોગ્યની દ્રષ્ટીએ સંવેદનશીલ હોય છે ત્યારે આ જ સાઇટમાં ગમે ત્યાં પાણી ભરાયેલું હોય છે જમાં મચ્છરો જન્મ લે છે ત્યારે આ સાઇટમાં દર ગુરુવારે ચેકીંગ કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ જે વિસ્તારમાં ડેન્ગ્યુનો રોગચાળો છે તે વિસ્તાર એટલે કે, સુઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની બાંધકામ સાઇટમાં મચ્છરો તેમજ તેના પોરા શોધવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કર્મચારીઓએ કુલ ૮૧ બાંધકામ સાઇટમાં તપાસ કરી હતી જેમાંથી ૧૧૬ જગ્યાએ મચ્છરોના પોરા મળી આવ્યા હતા.
જ્યાં બ્રિડીંગ જોવા મળ્યું હતું જેથી તાત્કાલિક તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સાઇટના કોન્ટ્રાક્ટરોને મચ્છરો ઉત્પન્ન ન થયા તે માટેની માહિતી પણ આપવામાં આવી હતી. એટલુ જ નહીં, આ સાઇટના માલિકોને મેલેરિયા વિભાગ દ્વારા હવે નોટિસ પણ ફટકારવામાં આવશે અને હવે આ જગ્યાએથી ફરી મચ્છર કે તેના પોરા મળી આવશે તો તેના વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સાઇટ સીલ કરવા સુધીના પગલા પણ લેવામાં આવશે.ઉલ્લેખનયી છે કે, ગત વર્ષે વારંવાર બે જગ્યાએથી પોરા મળી આવતા કલેક્ટરે તે બે સાઇટને સીલ કરી દીધી હતી.