પાલીતાણા શહેરમાં અનેક લોકોને અડફેટે લઈ મોત નિપજાવનાર ઢોર સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે. રોડ પર રખડતા ઢોર અનેક વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યાં છે.
પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે અને ખાનગી તબેલાવાળાઓ પોતાના ઢોરને દોહી અને રસ્તા ઉપર રઝળતા મુકી દે છે તેના કારણે વારંવાર આવા ઢોર વાહનો સાથે અથડાવાની ઘટનાઓ બને છે અને વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચે છે બાકી હોય તેવી રખડતા ઢોરની ઢીંકથી મૃત્યુના બનાવો પણ ઘણા બની રહ્યાં છે.
શહેરના ઓવનબ્રીજ ઉપર, મેઈનબજાર, નાની શાકમાર્કેટ, તળેટી રોડ, જંબુદ્વીપ, ઓશવાળ યાત્રિક પાસે, છેલ્લા ચકલા, સરકારી હોસ્પિટલ પાસે, ભીડભંજન, રામરહિમ જેવા ભરચક વિસ્તારોમાં રખડતા ઢોરોએ લોકોને બાનમાં લીધા છે. રખડતા ઢોર, ખુટીયા સામે નગરપાલિકા દ્વારા પણ હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ રખડતા ઢોરની સમસ્યા નિહાળી તેના તરફ ધ્યાન આપશે ખરૂ ? તેવો પ્રજાજનોમાં પ્રશ્ન ઉઠ્યો છે.