RTOમાં ઓનલાઇન પ્રથા નાબૂદ થવાની શક્યતા

1375

07

(સં.સ.સેવા) અમદાવાદ,તા.૬

આરટીઓ કચેરીમાં વધુ એક મહત્વના નિર્ણયની અમલવારી થાય તેવી શકયતા છે, જે મુજબ, આરટીઓમાં હવેથી નવાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા સિવાયની તમામ કામગીરી માટે અરજદારે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવી પડશે નહીં. માત્ર એક ઓનલાઈન અરજીના આધારે આરટીઓમાં નવાં ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાયનાં તમામ કાર્ય એક જ દિવસમાં કરાવી શકાશે. ડુપ્લિકેટ લાઈસન્સ કે લાઈસન્સમાં સુધારા-વધારા, લાઈસન્સ રિન્યુઅલ આ તમામ પ્રકારનાં કામ માટે અરજદારોને ૬૦ થી ૯૦ દિવસની રાહ જોવામાંથી મુક્તિ મળશે. એકમાત્ર ઓનલાઈન અરજીના આધારે અને વહેલા તે પહેલાના ધોરણે તેનું નવા ડ્રાઈવિંગ લાઈસન્સ સિવાયનું કામ આરટીઓમાં રૂબરૂ જવાથી થઈ જશે. હવે માત્ર નવાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે જ આરટીઓમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની થશે.

હાલમાં અમદાવાદ આરટીઓમાં ઘણા મહિનાથી ૬૦ થી ૯૦ દિવસનું વેઈટિંગ ચાલે છે.  તેમાં નવું લાઈસન્સ કઢાવવાનું હોય કે લાઈસન્સ રિન્યૂ કરાવવાનું હોય, લાઈસન્સમાં નામ કે અટકમાં સુધારો કરાવવાનો હોય, સરનામામાં ફેરફાર કરાવવાનો હોય જેવાં ડ્રાઈવિંગ લાઈસન્સને લગતા કોઈ પણ કામ માટે અરજદારે એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત હતી, જેના કારણે ત્રણ મહિના સુધી અરજદારે રાહ જોવી પડતી હતી. અમદાવાદ આરટીઓ એસ. પી. મુનિયાએ જણાવ્યું હતું કે નવા ડ્રાઈવિંગ લાઈસન્સ માટેનો બેકલોગ મોટા પ્રમાણમાં વધી જતાં હવે અરજદારોને સરળતાથી લાઈસન્સ મળી શકે તે માટે આ નવી પ્રક્રિયા આગામી સપ્તાહથી અમલી કરાશે, જેના કારણે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છતા અરજદારને વેઈટિંગનો બેકલોગનો ઘટી જશે અને ડ્રાઈવિંગ લાઈસન્સમાં ફેરફાર કરાવવા ઈચ્છતા કે રિન્યૂઅલ કરાવતા અરજદારને પણ ઝડપથી લાઈસન્સ મળશે. નવાં ડ્રાઈવિંગ લાઈસન્સ સિવાયના અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ આરટીઓ કચેરીમાં ૧૦ થી ૬ના સમયગાળા દરમિયાન જવાનું રહેશે. તેની સાથે ઓનલાઈન અરજીની નકલ અને જરૂરી દસ્તાવેજો રાખવાના રહેશે. આરટીઓ કચેરીમાં આ માટે સ્પેશિયલ કાઉન્ટર રાખવામાં આવશે. અરજદારને એ કાઉન્ટર પરથી બેન્ક સિસ્ટમની જેમ ટોકન આપવામાં આવશે. એ ટોકનના નંબર પ્રમાણે અરજદાર તેનું કામ વહેલા તે પહેલાના ધોરણે કરાવી શકશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વાહન માલિકો કે વાહનચાલકો માટે અન્ય એક રાહતના સમાચાર પણ વિચારણા હેઠળ છે કે કેટલાક ચોક્કસ સંજોગોમાં જરૂરી હશે તો આરટીઓ હવે પાસપોર્ટની જેમ જ ઇમર્જન્સી એટલે કે તત્કાલ ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપશે, જોકે તેના માટે જે તે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઇચ્છતી વ્યક્તિએ ચોક્કસ કારણ આપવું પડશે. તાજેતરમાં વીઆઈપી, વીવીઆઈપી અને તેમનાં પરિવારજનો માટે આરટીઓને પણ તત્કાલ પાસપોર્ટની જેમ તત્કાલ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની સત્તા આપવામાં આવી છે. સામાન્ય માણસ અથવા એનઆરઆઈ માટે પણ આ વ્યવસ્થાનો વ્યાપ વધારવામાં આવે તેવી શક્યતા છે. જો તેવું થશે તો વીઆઈપી અને વીવીઆઈપીની જેમ સામાન્ય માણસ પણ ચોક્કસ કારણ જણાવીને તત્કાલ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે. કેટલાક કિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ એકસપાયર થઇ જતું હોય, કોઇ દસ્તાવેજ રિન્યૂ કરાવવાના હોય તેના માટે ઇમર્જન્સી લાઇસન્સની પુરાવારૂપે જરૂર હોય, અરજદારને લાંબા સમય માટે વિદેશ જવાનું હોય, એનઆરઆઇ હોય અને એપોઇન્ટમેન્ટ મુજબ સમય લાંબો હોય આ સંજોગોમાં મળેલી એપોઇન્ટમેન્ટમાંથી વહેલું કામ કરવા એટલે કે લાઇસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ કે એઆરટીઓ કચેરીમાં અધિકારીનો સંપર્ક કરીને લેખિત અરજી આપવાની રહેશે. તાજેતરમાં જ આરટીઓએ ૩૦૦૦ વ્યક્તિઓની એપોઇન્ટમેન્ટ રદ કરી હતી, એટલે બેકલોગ વધ્યો છે. તા.૩ જુલાઇથી ૬ જુલાઇ સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રખાયો છે. તા.૧૦ જુલાઇએ પણ તે લેવાશે નહીં. જેને પગલે પાકા લાઇસન્સ કઢાવવા ઇચ્છતા વાહનચાલકો-નાગરિકો માટે કફોડી હાલત બની છે.

Previous articleબે માસમાં ૨૧ લાખનાં ખર્ચે પ્રિમોન્સુનની સફળ કામગીરી કરાઈ : હરેશ મકવાણા
Next articleતાપી શુદ્ધિકરણ માટે નાણાં ફાળવણીની મંજુરી