બિટકોઇન કેસમાં પીઆઈ અનંત પટેલની જામીન અરજી ફગાવાઈ

1300

રાજયભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઈનના ચકચારભર્યા કેસમાં ચાવીરૂપ ભૂમિકા  ભજવનાર એવા અમરેલીના પીઆઈ અનંત પટેલની જામીનઅરજી એડિશનલ સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ આજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે આરોપી પીઆઇ અનંત પટેલને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, આરોપીના ગુનાની ગંભીરતા અને કેસના પુરાવા જોતાં અરજદારની આ કેસમાં પ્રથમદર્શનીય સંડોવણી પ્રસ્થાપિત થાય છે. વળી, હજુ કેસની તપાસ ચાલી રહી છે અને નાજુક તબક્કામાં છે. વળી, આરોપી વગદાર હોઇ કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી.  આ સંજોગોમાં આરોપી પોલીસ અધિકારીના જામીન નામંજૂર કરવા ન્યાયોચિત લેખાશે. ચકચારભર્યા બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા અમરેલી પીઆઇ અનંત પટેલની જામીનઅરજીનો સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ ુસુધીર બી.બ્રહ્મભટ્ટે સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપી પીઆઇ અનંત પટેલે આ કેસમાં અન્ય સહઆરોપી એસપી જગદીશ પટેલ સાથે મળી સમગ્ર ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે અને તેથી તેની ખૂટતી કડીઓ અને મહત્વના પુરાવાઓ તેના રિમાન્ડ દરમ્યાન અને ત્યારપછીની તપાસમાં મળી આવ્યા છે. જે પરથી આરોપી પોલીસ અધિકારીની પ્રસ્તુત કેસમાં પ્રથમદર્શનીય સંડોવણી અને તેની વિરૂધ્ધનો ગુનો પ્રસ્થાપિત થાય છે. આરોપી પોતે એક ઉચ્ચ  પોલીસ અધિકારી અને જાહેર સેવક હોવાછતાં અંગત સ્વાર્થ અને પૈસાની લાલચમાં હોદ્દા અને પદનો દૂરપયોગ કરી ગંભીર પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું છે અને આ કાવતરામાં અન્ય આરોપીઓને પણ મદદગારી કરી છે. આરોપી દ્વારા આ સમગ્ર ગુનામાં ઉપયોગમાં લીધેલા સીમકાર્ડ, વાહનો અને સંડોવાયેલા વ્યકિતઓ વિશે ઘણી પુરાવાબધ્ધ જાણકારી તપાસમાં સ્પષ્ટ થઇ છે. આરોપીએ  ફરિયાદીનું અપહરણ કરી મગોડી કેશવફાર્મ ખાતે લઇ જઇ ૧૭૬ બિટકોઇન પડાવી લીધા હતા.

બિટકોઇન કેસની તપાસ હજુ ચાલુ છે અને આ કેસમાં હજુ અન્ય આરોપીઓ નાસતા ફરતા હોઇ તેને પકડવાના છે. આરોપી પોતે ઉચ્ચ પોલીસ અધિકારી છે અને વગદાર છે. જો તેને જામીન અપાય તો કેસની તપાસ અને સાક્ષીઓ તેમ જ પુરાવા સાથે ચેડા થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં કોર્ટે ન્યાયિક હિતમાં આરોપી અનંત પટેલની જામીન અરજી ધરાર ફગાવી દેવી જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી પીઆઇ અનંત પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, તા.૧૯મી એપ્રિલે ગાંધીનગર અડાલજ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી પીઆઇ અનંત પટેલની ધરપકડ કરી લીધી હતી, બાદમાં તેમના સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવાયા હતા. અનંત પટેલે તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેણે એસપી જગદીશ પટેલના ઇશારે સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. આ ખુલાસા બાદ અમરેલી એસપી જગદીશ પટેલની પણ ધરપકડ થઇ હતી. આ કેસમાં પકડાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલ વિરૂધ્ધ પણ તાજેતરમાં જ તપાસનીશ એજન્સીએ મહત્વનું અને દળદાર ચાર્જશીટ ફાઇલ કર્યું છે.

Previous articleતાપી શુદ્ધિકરણ માટે નાણાં ફાળવણીની મંજુરી
Next articleરાજદ્રોહ કેસ : હાર્દિકને ૨૧ સુધીની મુદ્દત