મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રતિનિધિમંડળની છ દિવસીય ઈઝરાયેલ મુલાકાત ગુજરાતમાં કૃષિ, જળ વ્યવસ્થાપન, સ્ટાર્ટઅપ-ઈનોવેશન સહિતના ક્ષેત્રો માટે સહભાગીતાનો નવો ઈતિહાસ સર્જનારી સફળ મુલાકાત બની છે. વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિમંડળે ઈઝરાયેલ પ્રવાસના કેન્દ્રસ્થાને કૃષિ અને જળ વ્યવસ્થાપનની ઈઝરાયેલની તજજ્ઞતાનો ગુજરાતમાં મહત્તમ વિનિયોગ કરવાનો જે ધ્યેય રાખ્યો હતો તે નક્કર કાર્ય આયોજનની દિશામાં પરિણામદાયી બન્યો છે. મુખ્યમંત્રીએ તેમના આ પ્રવાસ દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહૂ અને કૃષિમંત્રી યુરી એરિયલ સહિત ૫૫ જેટલી મુલાકાત બેઠકો યોજીને ઈઝરાયેલ ટેકનોલોજીની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ડિસેલીનેશન પ્લાન્ટસ સહિત એગ્રો ફાર્મિંગની પણ નિરીક્ષણ મુલાકાત ગુજરાત ડેલિગેશન સાથે લઈને ઈઝરાયેલની સફળતા પ્રત્યક્ષ નિહાળી હતી. મુખ્યમંત્રીના ઈઝરાયેલ પ્રવાસમાં કૃષિ, વોટર મેનેજમેન્ટ-સ્ટાર્ટઅપ ઈનોવેશન સ્માર્ટ સિટી જેવા વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના ૧૬ જેટલા એમઓયુ પણ ગુજરાતે કર્યા છે. મુખ્યમંત્રીની આ ઈઝરાયેલ મુલાકાત દરમિયાન જળવ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે ઈઝરાયેલ સાથે ત્રણ મહત્વપૂર્ણ એમઓયુ કર્યા છે. આ એમઓયુના અમલ અને ગુજરાતમાં નક્કર કાર્ય આયોજન માટે હાઈપાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ હાઈલેવલ કમિટીમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી વગેરેનો સમાવેશ થાય છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્ર માટે આ પ્રક્રિયાના ફોલોઅપ-મોનિટરીંગ માટે પાણી પુરવઠા અગ્રસચિવ જેપી ગુપ્તાના અધ્યક્ષતામાં એક સબ ગૃપ કાર્યરત થશે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતમાં વોટર મેનેજમેન્ટની ઓનલાઈન સિસ્ટમ હેતુ ઈઝરાયેલની મેકોરોટ સાથે કોલોબેરેશન કરીને રાજ્યમાં જળ વિતરણ-જળ વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવા અંગે એમઓયુ થયા છે. મેકોરોટ ઈઝરાયેલ સરકારની જળ વ્યવસ્થાપન માટેની રાષ્ટ્રીય કંપની છે. આ કંપની વિશ્વની વોટર મેનેજમેન્ટ ક્ષેત્રની ૧૦ અગ્રેસર કંપનીઓ પૈકીની એક છે. મેકોરોટની ઓનલાઈન વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, ગ્રીડ મેનેજમેન્ટ વોટર સપ્લાયના ડેટા એકવીઝેશન અને સુપરવાઈઝરી કંટ્રોલ ક્ષેત્રની તજજ્ઞતાનો ગુજરાતમાં વોટરગ્રીડ માટે પણ ઉપયોગ કરવાની દિશામાં આ મુલાકાત ફળદાયી બની છે.