વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનું મહત્વનું સ્થાન હોય છે. તેને ગુરૂ તરીકેનું સન્માન પ્રાપ્ત થતું હોય છે પણ વરતેજ તાબેના પીથલપુર ગામે આવેલ પ્રાથમિક શાળાના નફફટ શિક્ષકે ગુરૂ તરીકેની પ્રતિભાને કલંકિત કરી છે. આ નફ્ફટ શિક્ષકે બીજા ધોરણમાં અભ્યાસ કરતી સાત વર્ષની બાળા સાથે અડપલા કરતા બાળાની માતાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ શિક્ષકને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ, વરતેજ તાબેના પીથલપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ મનસુખભાઈ દાઠીયા ઉ.વ.૩પએ શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ટેબલ સાફ કરવાના બહાને રૂમમાં બોલાવી હાથ પકડી આખા શરીરે અડપલા કરતા વિદ્યાર્થીની ડઘાઈ ગઈ હતી. બનાવની જાણ વિદ્યાર્થીનીના પરિવારજનોને થતા તુરંત સાત વર્ષની બાળાની માતાએ વરતેજ પોલીસ મથકમાં શિક્ષક રમેશ દાઠીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ નફ્ફટ શિક્ષકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતાં શિક્ષણ જગતમાં ચક્ચાર ફેલાઈ જવા પામી હતી. ચોતરફ શિક્ષક પર ફીટકાર વરસી હતી.