મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે હાઈવે પર ભાજપ દ્વારા યોજવામાં આવેલી ગૌરવયાત્રાના બેનરો લગાવવા થાંભલે ચડેલા બે યુવાનોને ઈલેક્ટ્રીક શોક લાગતા બન્નેને સારવાર અર્થે મહુવાની સદભાવના હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ બનતા સમગ્ર પંથકમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.
ઘટનાની સ્થળ પરથી મળતી વિગતો મુજબ, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે હાઈવે પર ભાજપની ગૌરવયાત્રાના બેનરો લગાવવા થાંભલે ચડેલા ઈલીયાસભાઈ ઈસ્માઈલભાઈ કલાણીયા ઉ.વ.ર૬, રહે.ધાવડી ચોક, મહુવા અને શામજીભાઈ કાનાભાઈ શિયાળ ઉ.વ.ર૮, રહે.નવા જાપા, ભવાનીનગર, મહુવા ખાતેના બન્ને યુવાનોને ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો. શોક લાગતા હાજર રહેલા રહિશો દ્વારા બન્ને યુવાનોને સારવાર અર્થે મહુવાની સદભાવના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના કરૂણ મોત નિપજવા પામ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરવાની તજવીજ હાથ ધરી હતી અને બન્ને યુવાનોની લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી. બન્ને યુવાનોના શોક લાગતા મોત નિપજતા પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.