ભાવનગર શહેરનાં ગૌરવ સમા જળાશય એવા બોરતળાવ (ગૌરી શંકર સરોવર)માં ગઈકાલે રાત્રીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ હતી અને બોરતળાવની સપાટી રપ ફુટની નજીક પહોંચતા લોકોમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.
છેલ્લા કેટલાયે સમયથી ભાવનગર શહેરનું બોરતળાવ ઓવરફલો થયું નથી. બોરતળાવના કેચમેન્ટ એરીયામાં થયેલા દબાણો, પાણીના પ્રવાહને વાળી દેવાની કેટલીયે ફરિયાદો બાદ વિપક્ષ નેતા સહિતોએ તંત્ર ઉપર દબાણ લાવીને બોરતળાવમાં આવતા નીરના અવરોધોને દુર કરવામાં આવેલ અને કેનાલો તથા નાળા સહિતની સફાઈ કરાવેલ જેના પરિણામે ગઈકાલે ભાવનગર જિલ્લા સહિત ઉપરવાસ ગ્રામ્ય પંથકમાં રાત્રીના સમયે પડેલા ધોધમાર વરસાદના કારણે ભીકડા કેનાલમાં જોરદાર પાણી આવતા તેનો પ્રવાહ બોરતળાવમાં આવેલ અને ધસમસતા પાણી બોરતળાવમાં આવતા ૧૦ ફુટ જેટલી પાણીની આવક પ્રથમ ભારે વરસાદમાં જ થવા પામી હતી. જેના કારણે બોરતળાવની સપાટી રપ ફુટે પહોંચી જવા પામી હતી. સાંજના ૬ કલાકે સપાટી ર૪.૧૦ ફુટ નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બોરતળાવ ૪૩ ફુટે ઓવરફલો થાય છે.
બોરતળાવમાં ૧૦ ફુટ જેટલું નવું પાણી આવ્યાના સમાચારથી શહેરીજનો બોરતળાવ પહોંચ્યા હતા અને સાંજના સમયે તો મેળા જેવું વાતાવરણ થયું હતું.