જનતા રેડના મામલે હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ વિરૂદ્ધ ગુનો

2039

સોલામાં ગઇકાલે સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ત્રણ યુવા નેતાઓ એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલે તાજેતરમાં પાટનગર ગાંધીનગરમાં સ્થાનિક લોકોને સાથે રાખી જનતા રેડ કરવાના પ્રકરણમાં આખરે ત્રણેય યુવા નેતાઓ સામે ગાંધીનગરના સેકટર-૨૧ પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં ત્રણેય યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ પોલીસ સમક્ષ આજે સાંજે હાજર થયા હતા. બીજીબાજુ, પોલીસ દ્વારા ખોટી રીતે તેમની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાઇ હોઇ ત્રણેય યુવા નેતાઓને તેની પાછળ સરકારનું દબાણ અને હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, પોલીસ અને સરકાર કયાંક ને કયાંક દારૂની બદીને નાથવામાં નિષ્ફળ ગઇ હોવાથી જે કામ અમે કર્યું તેનાથી તેમની પોલ ખુલ્લી પડી જતાં તેમને ડરાવવા અને ગભરાવવાના આશયથી ફરિયાદ દાખલ કરી દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું છે પરંતુ અમારી દારૂબંધી માટેની લડત જારી રહેશે.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલે તાજેતરમાં પાટનગર ગાંધીનગરમાં આદિવાડા ગામમાં એક મહિલાના ઘરમાં ઘૂસી જનતા રેડ કરી દેશી દારૂની પોટલીઓ પકડી પાડી હતી. ખુદ ડીએસપી ઓફિસ નજીક ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી અને પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠતાં મામલો ગરમાયો હતો. આ મામલે સરકાર સામે પણ આંગળી ચીંધાતા આખરે ત્રણેય યુવા નેતા સહિતના છ જણાં વિરૂદ્ધ ઉપરોકત જનતા રેડના મામલે ટ્રેસ પાસીંગનો ગુનો ગાંધીનગર સેકટર-૨૧ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ભારે ચકચાર એટલા માટે મચી છે કે, જનતા રેડ સમયે વીડિયો વાયરલ થયો ત્યારે તેમાં મહિલા દારૂ પકડાતાં કાકલુદી કરતી જોવા મળે છે અને દારૂ પકડાયો હોવાની વાતને સમર્થન આપી રહી છે, તો બીજીબાજુ, બાદમાં મહિલા હવે ધારાસભ્ય સાથે આવેલા યુવક દ્વારા દારૂની પોટલી મૂકાઇ હોવાનો આરોપ લગાવી રહી છે. આમ, સમગ્ર મામલો હવે ગંભીર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બીજીબાજુ, આ તમામ વિવાદ વચ્ચે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી આજે સાંજે ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્રણેય યુવા નેતાઓએ સરકારના ઇશારે તેમની વિરૂદ્ધ ખોટુ દબાણ ઉભુ કરવા અને ડરાવવાના આશયથી આવી વાહિયાત અને બેબુનિયાદ ફરિયાદ દાખલ કરાઇ રહી છે પરંતુ તેનાથી તેઓ ડરવાના નથી. તેઓની દારૂબંધી માટેની લડત જારી રહેશે. તેમણે સરકાર અને પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે રાજય સરકાર અને પોલીસ સરેઆમ નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય યુવા નેતા એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની પાટનગર ગાંધીનગરમાં પાડવામાં આવેલી જનતા રેડને પગલે રાજય સરકાર અને પોલીસની આબરૂનાં ચારે બાજુ લીરેલીરા ઉડયા હતા.

Previous articleનાગેશ્રીના ટીંબી ગામ નજીકથી ઈગ્લીંશ દારૂ સાથે બે ઝડપાયા
Next articleકોંગ્રેસનું મોટું પગલું : નાનકડા કાર્યકરનો અવાજ સીધો પહોંચશે રાહુલ ગાંધી સુધી