કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરાયું

757
guj5102017-12.jpg

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીમંડળે કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવાની કાર્યોત્તર મંજૂરી આપી છે. સામાન્ય રીતે ભારતમાં બંદરોનાં નામ, બંદર જે શહેર કે નગરમાં સ્થિત હોય તેના પરથી આપવામાં આવે છે. જો કે વિશેષ કેસમાં સરકાર યોગ્ય વિચારણા કરીને ભૂતકાળમાં થયેલા મહાન નેતાઓનાં નામ પરથી પોર્ટનાં નામ બદલે છે. કંડલા પોર્ટનું નામ બદલીને “દીનદયાળ પોર્ટ, કંડલા” કરીને કૃતજ્ઞ રાષ્ટ્ર,  ભારતનાં મહાન સપૂતોમાંના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં અમૂલ્ય પ્રદાનને હંમેશા યાદ રાખશે. આ ગુજરાતનાં લોકોને, ખાસ કરીને એવા યુવાનોને પ્રેરિત કરશે, જેઓ આ મહાન નેતાનાં પ્રદાનથી સંપૂર્ણપણે વાકેફ ન હોય.
ગુજરાતમાં વિવિધ તબક્કાઓમાંથી, ખાસ કરીને કચ્છની જનતાએ ‘કંડલા પોર્ટ’નું નામ બદલીને‘દીનદયાળ પોર્ટ, કંડલા’ કરવા માંગણી કરી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય (૨૫.૯.૧૯૧૬ – ૧.૨.૧૯૬૮) પ્રસિદ્ધ નેતા હતાં, જેમણે તેમનું જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે સંપૂર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું તથા લોકોનાં ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમણે ગરીબો અને કામદાર વર્ગના ઉત્થાન માટે પણ જીવન અર્પિત કર્યું હતું. સહિષ્ણુતા, નિઃસ્વાર્થીપણું અને કાયદા પ્રત્યે સન્માનની ભાવના જેવા લોકતાંત્રિક પાયાગત મૂલ્યો જાળવીને તેમણે ‘એકાત્મ માનવતાવાદ’નાં સિદ્ધાંતો પર આધારિત કાર્યો કર્યા હતાં. તેમણે જીવન દરમિયાન લોકતંત્રનાં ભારતીયકરણ માટે અવિરત કામ કર્યું હતું, જનમતનું સન્માન કર્યું હતું, નિઃસ્વાર્થભાવે ભારતીયોની સેવા કરી હતી અને દેશનાં કાયદાનું સન્માન કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ જનસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તથા તેઓ સાદગી, સરળતા, પ્રામાણિકતા તથા ગરીબો માટે નિઃસ્વાર્થભાવે સેવા કરવાનું પ્રતીક બની ગયા હતા.

Previous articleભાજપ મહિલા મોર્ચાનું સંમેલન
Next article૧૬મીથી સરકાર ડાંગર, મકાઈ, બાજરાની ટેકાના ભાવે ખરીદી કરશે