મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સરદાર સરોવર ડેમ ખાતે આવેલા સાધુ બેટ ખાતે નિર્માણાધિન સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમણે આ મુલાકાત પછી જણાવ્યુ હતુ કે, આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જ્યંતિએ આ પ્રતિમાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાની દિશામાં રાજ્ય સરકાર ઝડપભેર આગળ વધી રહી છે. રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની વિરાટતાને વૈશ્વિક ઊંચાઈ આપવા સેવેલું સ્વપ્ન તેમના જ હસ્તે લોકાર્પણ દ્વારા ગુજરાત સાકાર કરશે. આ પ્રતિમાના નિર્માણમાં ૯૦ હજાર મેટ્રીકટન સિમેન્ટ, ૨૫ હજાર મેટ્રીક ટન લોખન્ડ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ૨૫૦ જેટલા ઇજનેરો આ પ્રતિમાના નિર્માણના કામમાં યોગદાન આપે છે.
વિજય રૂપાણીએ આ સ્ટેચ્યુની સાઈટ વિઝીટ કરીને સંપૂર્ણ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સરદાર પટેલનું જીવન-કવન રાજનીતિથી પર હતું. તેઓ આપણી યુવા પેઢી અને આવનારી પેઢીઓ ને યુગો સુધી પ્રેરણા આપતા રહેશે. આ પ્રતિમા વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પ્રવાસન સુવિધાઓ અહીં વિકસાવવાની નેમ છે.ટ્રાયબલ મ્યુઝિયમ. મનોરમ્ય ગાર્ડન, બોટિંગ સહિતની સુવિધા વિકસાવી આ સ્થળ ને ટુરિષ્ટ ડેસ્ટિનેશન બનાવવાની ભૂમિકા પણ તેમણે આપી હતી. મુખ્યમંત્રી વધુમાં ઉમેર્યુ કે, સરદાર સાહેબે રાષ્ટ્રની એકત્તા, અખંડિતતા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનનું વિશ્વની આ સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાના નિર્માણથી આપણે યથોચિત સન્માન કરી સરદાર સાહેબના કાર્યોને સદાકાળ પ્રેરણાદાયી બનાવવા છે. આ પ્રતિમાનું કામ પુર્ણ થયા પછી દરરજો ૧૫૦૦૦ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટિનાં પાયા સુધી પહોંચવા એસકેલેટર મુકાશે અને સ્ટેચ્યુની ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા મૂકવામાં આવશે. આ ઉપરાંત, વેલી ઓફ ફ્લાવર મુખ્ય આકર્ષણ બની રહેશે.