સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેડ ક્વાર્ટર્સ દ્વારા અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં ૦૫ અને ૦૬ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ બે દિવસીય ‘નો યોર એર ફોર્સ (તમારાં વાયુદળને જાણો)’ નામનું વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનનું ઉદ્ઘાટન આજે રાજ્ય કક્ષાનાં માર્ગ અને પરિવહન મંત્રી માનનીય વલ્લભભાઈ કાકડિયાએ કર્યું હતું. તેનો ઉદ્દેશ ગુજરાતનાં યુવાનોને ભારતીય વાયુદળ (આઇએએફ) સાથે જોડવાનો અને દેશ માટે હવાઈ યોદ્ધા બનવા પ્રેરિત કરવાનો છે. તેનાં પ્રથમ દિવસે પેરા સેલિંગ, નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા એરો મોડલિંગ ડિસ્પ્લે, ગાર્ડ કમાન્ડો દ્વારા એક્શન અને સ્પેશ્યલ હેલિબોર્ન ઓપરેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેમાં ભારતીય વાયુદળનાં ઉપકરણોનું પ્રદર્શન, ભારતીય વાયુદળમાં મેડિકલ/ગંભીર સારવારનાં સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં તથા યુવાન મુલાકાતીઓ માટે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ બેન્ડ દ્વારા લાઇફ પર્ફોર્મન્સ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વળી ભારતીય વાયુદળનાં કેડર્સમાં ઉપલબ્ધ કારકિર્દીની વિવિધ તકો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કારકિર્દી સલાહ સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો છે.