અમરેલી જિલ્લ્લામાં તથા ભાવનગર જિલ્લાના છેવાડાના વિસતારોમાં આજે ૩ થી ૪ ઈંચ જેવો વરસાદ થતા ચોમેર પાણી પાણી થઈ જવા પામ્યું હતું અને ગીરમાંથી નિકળી અમરેલી જિલ્લાને સમાતંર પસાર થતી શેત્રુંજી નદીમાં ભારે પુર આવ્યું હતું. જ્યારે શેત્રુંજી ડેમમાં નવા પાણીની આવક થઈ હતી.
અમરેલી જિલ્લાના ધારી, સરસીયા, ખીસરી ઉપરાંત ભાવનગરના ગારિયાધાર, સાવરકુંડલા, ફીફાદ, ભાડ, વાવડી સહિતના ગામોમાં બે દિવસથી વરસી રહેલ મેઘકૃપાને લઈને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં ભારે પુર આવ્યું હતું. પરિણામે સેંકડો ચેકડેમો, નાના-મોટા જળાશયો છલકાઈ જવા પામ્યા હતા. ગીર પંથક તથા અમરેલીના ક્રાંકચ, નાના-મોટા લીલીયા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ યથાવત શરૂ રહેતા શેત્રુંજી નદીમાં પાણીની આવક વધી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી ધારીનો ખોડીયાર ડેમ પૂર્ણતઃ ભરાયો ન હોય જેને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા વાર લાગશે કારણ કે ખોડીયાર ડેમ ઓવરફ્લો થયા બાદ પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવે છે. આથી શેત્રુંજી ડેમ છલોછલ ભરાઈ જાય રાત્રિના સમયે પણ અમરેલી, ધારી, જીરા, ચલાળા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. તદ્દઉપરાંત સુત્રો પાસેથી પ્રાપ્ય માહિતી મુજબ, અમરેલીના રાજુલા, જાફરાબાદ, વિક્ટર સહિતના સાગરતટના ગામડાઓમાં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને સવા ઈંચ જેવો વરસાદ થયો હતો.
મહુવામાં અડધો ઈંચ વરસાદ
ભાવનગર જિલ્લાના મહુવામાં સવારે ૬ વાગ્યાથી રાત્રિના ૮ કલાક દરમ્યાન અડધા ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જેસર, વિજપડી, દોલતી, દેતડ, આદસંગ સહિતના ગામડાઓમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાકમાં ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.