જુલાઈ મહિનાનું પહેલુ અઠવાડીયુ વિતી ગયા છતા હજુ મેઘરાજાની મહેરબાની ન થતા ખેડૂતોમાં ઘેઘુર ચિંતા ઉગી નીકળી છે. જેણે હવામાન ખાતાની આગાહીના આધારે કોરા ખેતરમાં બિયારણ વાવી દીધેલ તેમાના મોટા ભાગના બિયારણ બફાઈને નકામા થઈ ગયા છે. સારા વર્ષની આશા મુરઝાવા લાગી છે.
સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડીયામાં પ્રારંભીક સારો વરસાદ થતા વાવણી થઈ જતી હોય છે. આ વખતે આજે ૮ જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. જૂનના પ્રારંભે અને મધ્યમાં હવામાન શાસ્ત્રીઓની આગાહીને સાચી માનીને અનેક ખેડૂતોએ ખેતરમાં કોરા બિયારણ રોપી દીધેલ. કોરા બિયારણ પર થોડા દિવસમાં સારો વરસાદ થાય તે જરૂરી હોય છે પરંતુ બિયારણ વાવ્યા પછી વરસાદ ન થતા અને બફારો વધતા બિયારણ જમીનમાં જ કસ વગરના થઈ ગયા છે. ખેડૂતોની મહેનત અને પૈસા પાણીના અભાવે પાણીમાં ગયા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસામા મુખ્યત્વે મગફળી-કપાસ ઉપરાંત તલી, અડદ, મગ વગેરેનું વાવેતર થતુ હોય છે. કપાસ માટે હજુ વાવેતરનો સમય છે પરંતુ મગફળીની વાવણી માટે ઘણુ મોડુ થઈ ગયુ છે. હવે મોટી મગફળી સમયસર ઉગવાની શકયતા ઘટી ગઈ છે. મોટાભાગના ખેડૂતોએ ઝીણી મગફળી વાવીને સંતોષ માનવો પડશે. સામાન્ય રીતે નોરતામાં નવી મગફળી બજારમાં આવ જતી હોય છે, પરંતુ આ વખતે વરસાદ વધુ પડતો ખેંચાતા મગફળી બજારમાં આવવામાં દિવાળી દેખાય જશે તેમ ખેડૂત વર્તુળો જણાવે છે. આ વર્ષે સોળાઆની પાક થશે તેવી આશા એક મહિના પહેલા બંધાયેલ પરંતુ અત્યારે વરસાદ ખેંચાતા તે આશા ધૂંધળી થઈ ગઈ છે. હજુ એકાદ અઠવાડીયુ વરસાદ ખેંચાય તો સારા વર્ષની આશા સામે મોટા પ્રશ્નાર્થ લાગી જશે. જો કે આકાશમાં વાદળો હાજરી પુરાવા લાગ્યા છે અને હવામાન ખાતાએ ખેડૂતો માટે વધુ એક વખત આશ્વાસન રૂપ આગાહી કરી છે.