ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોની કોંગ્રેસમાં પાછા જવા સમજાવટ

1781

કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજયગુરૂને હવે કોંગ્રેસપક્ષમાં ફરીથી લાવવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોય તેવું ચિત્ર ગઇકાલે રાજકોટમાં સામે આવ્યા બાદ ઇન્દ્રનીલે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતાં આજે જણાવ્યું હતું કે, તેઓ રાજકારણમાં સક્રિય રહેશે અને જાહેરજીવનમાં સમાજસેવા કરતાં રહેશે પરંતુ કોઇ રાજકીય પક્ષ સાથે હાલ જોડાશે નહી. ઇન્દ્રનીલ રાજયગુરૂની આ સ્પષ્ટતા બાદ તેમના કોંગ્રેસ પરત ફરવાની ઉભી થયેલી અટકળો પર હાલ પૂરતો તો પડદો પડી ગયો છે. જો કે, કોંગ્રેસના તેમના ચુસ્ત સમર્થકોએ હજુ અંદરખાને તેમના પ્રયાસો ચાલુ રાખ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે ત્યારે ગુજરાતમાં પણ રાજકારણની કશ્મકશ લડાઇ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ માત્ર ચાર કલાકમાં જ કેબિનેટ મીનીસ્ટરનું પદ હાંસલ કરી લીધુ, ત્યારબાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા વિક્રમ માડમની નારાજગી અને રાજકોટના કોંગ્રેસના મોટા ગજાના નેતા મનાતા  ઇન્દ્રનીલ રાજયગરૂના રાજીનામા આપવાની ઘટનાઓ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ તમામ ઘટનાઓમાં કોંગ્રેસ બેકફુટ પર આવી જતાં હવે લોકસભાની ચૂંટણી પહેલા સ્થિતિ વધુ વણસે તે પહેલાં કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં પડી છે તો, ભાજપ પણ પોતાની રાજકીય વ્યૂહરચના ઘડવામાં વ્યવસ્ત બન્યું છે.   ત્યારે ગઇકાલે ઇન્દ્રનીલ રાજયગુરૂને હવે કોંગ્રેસપક્ષમાં ફરીથી લાવવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોય તેવું ચિત્ર રાજકોટમાં સામે આવ્યું હતું.  રાજકોટની એક ખાનગી હોટલમાં ગઇકાલે ઇન્દ્રનીલ રાજયગુરૂ, તેમના સમર્થકો, સમાજના લોકો અને કોંગ્રેસમાં માનનારા લોકોની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્ય મુદ્દો ઇન્દ્રનીલ રાજયગુરૂની ઘરવાપસીનો હતો. ઇન્દ્રનીલના હિતેચ્છુ અને સમાજના લોકોએ એક સૂરે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે, ઇન્દ્રનીલે કોંગ્રેસમાં ફરી પરત જઇને જાહેરજીવનમાં સક્રિય બનવું પડશે. તો જ સમાજ અને જાહેરજનતાના કાર્યો અસરકારકતાથી થઇ શકશે. એટલું જ નહી, સાથે સાથે કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક સંગઠનનું માળખું પણ એટલું જ મજબૂત બનશે. બેઠકમાં હાજર મહાનુભાવો અને આગેવાનો દ્વારા ઇન્દ્રનીલ રાજયગુરૂના કોંગ્રેસમાં ઘરવાપસીને લઇ કલાકો સુધી મનોમંથન ચાલ્યું હતું. સૌકોઇએ પોતાના મત વ્યકત કર્યા હતા અને કેટલાક સૂચનો પણ થયા હતા. જો કે, આ અટકળો અને ડેવલપમેન્ટ બાદ ઇન્દ્રનીલ રાજયગુરૂએ આજે સાફ કરી દીધુ હતું કે, તેઓ કોઇ રાજકીય પક્ષમાં હાલ નહી જોડાય. અલબત્ત તેઓ રાજકારણમાં સક્રિય રહેશે પરંતુ તેમની રીતે સમાજસેવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણની સેવા ચાલુ રાખશે.

Previous articleNCTEનો ગુજરાતની ૧૩ બીએડ કોલેજો બંધ કરવાનો નિર્ણય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ
Next articleરાજ્યસભા ચૂંટણી વિવાદઃ અહેમદ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત