રાજ્યસભા ચૂંટણી વિવાદઃ અહેમદ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત

1170

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલના વિજયને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી બાબતે સુપ્રીમ કોર્ટેઅહેમદ પટેલને રાહત આપી છે. તેમજ તેમની સામે ચૂંટણી લડીને હાર મેળવનારા બળવંતસિંહ રાજપૂતને સુપ્રીમે નોટિસ ફટકારી છે. સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટને આદેશ આપતા અહેમદ પટેલ વિરુદ્ધ આપેલી અરજીને આગળ ન ચલાવવાનો આદેશ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી ચાર અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.

ભાજપના બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટમાં કરાયેલી અરજી વિરુદ્ધ અહેમદ પટેલે સુપ્રીમમાં પીટિશન કરી હતી. આ પીટિશન પર આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ.ખાનવિલકર અને ન્યાયાધીશ ડે.વાય. ચંદ્રચુડની બેંચે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટને બળવંતસિંહ રાજપૂરની અરજી પર રોક લગાવવાનો આદેશ કર્યો હતો.

ગત વર્ષે રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ મેદાનમાં હતા, જ્યારે ભાજપે તેમની સામે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલી બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં બે ધારાસભ્ય ભોળાભાઈ પટેલ અને રાઘવજી પટેલના મત ચૂંટણી પંચે રદ કર્યા હતા. તેની સાથે જ ગુજરાતની બેઠક પરથી અહેમદ પટેલનો વિજય થયો હતો. ચૂંટણી પંચના નિર્ણય સામે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રદ કરવામાં આવેલા મતોને યોગ્ય ઠેરવવાની માંગ કરી હતી.

Previous articleઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોની કોંગ્રેસમાં પાછા જવા સમજાવટ
Next articleરાજ્યના ૩૩ જિલ્લાઓમાં યોજાનારી રથયાત્રાઓનું રાજ્યકક્ષાએથી મોનીટરીંગ કરાશે : ગૃહમંત્રી જાડેજા