સેક્ટર ૨૮માં વિકસાવાયેલા બાલોદ્યાન અને તેમાં ચાલતી બેબી ટ્રેન તથા બોટિંગ સહિતના ફનની ખ્યાતિ ગાંધીનગર બહારના શહેરોમાં પણ ફેલાયેલી છે. પરંતુ છેલ્લા એક દાયકાથી ટ્રેનની સુવિધા ડચકાં ખાતી હાલતે આવી ગયા પછી હવે આ ટ્રેન ખરેખર નવી ખરીદવામાં આવી છે. પરંતુ તે પણ ચાલુ બંધ હાલતમાં આવી ગઇ છે.
એક ડબ્બામાં ૧૮ સહેલાણીનો સમાવેશ થાય તેવી બેઠક વ્યવસ્થા ધરાવતા ડબ્બા આ બેબી ટ્રેનમાં લગાડવામાં આવ્યા છે.
રજા અને તહેવાર સિવાયના દિવસોમાં ટ્રેનમાં ૩ ડબ્બા લગાડવામાં આવશે. આ ઉપરાંત જુની ટ્રેનના એન્જીનને પણ રિપેર કરાવીને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
તહેવારના દિવસોમાં જો સહેલાણીઓની સંખ્યા વધારે હશે તો બન્ને ટ્રેન દોડાવવાની શક્યતા પણ ચકાસવામાં આવશે. અથવા એક એન્જીન બગડે તો બીજુ લગાડાશે, તેમ સિટી ઇજનેર ભરત પંડ્યાએ જણાવ્યુ હતું. હવે સતત બે મહિના બાલોદ્યાનને બંધ રાખીને તમામ સુવિધા અપડેટ કર્યા પછી સપ્ટેમ્બર મહિનામાં ખોલવામાં આવશે. ત્યારે નોંધવું રહેશે કે બાલોદ્યાનના રિનોવેશનમાં ૧૦ કરોડનો ખર્ચ થઇ ગયો છે. બાલોદ્યાનમાં નવી ફેમીલી એમ્યુઝમેન્ટ ટ્રેન ડિઝાઇન, બિલ્ટ અને સપ્લાયના ધોરણે અમદાવાદની વિહિરા માર્કેટિંગ નામની એજન્સી પાસેથી ખરીદવામાં આવી છે.
એજન્સી સાથે ૭ વર્ષ માટે જાળવણીના કરાર પણ કરાયો છે. ઉપરાંત આગામી દિવસોમાં આ ટ્રેનનું સંચાલન કોઇ ખાનગી પેઢીને સોપવાના મુદ્દે પણ વિચારણા કરવામાં આવશે.
બાલોદ્યાનમાં દોડતી કરાયેલી નવી બેબી ટ્રેન માટે એજન્સીને રૂપિયા ૫૭ લાખ ચૂકવાયા છે. તેમાં એન્જીન અને ૫ ડબ્બાનો સમાવેશ થાય છે. પરંતુ ટ્રેન અને ડબ્બાનો જુના ટ્રેક સાથે તાલમેલ થતો નથી.
હાલમાં બંધ હાલતમાં પડેલી જુની ટ્રેન રૂપિયા ૩ લાખના ખર્ચે ખરીદવામાં આવી હતી. આ ટ્રેન ૨૫ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. હવે તેને રિપેર કરીને સ્ટેન્ડ બાયમાં રાખવાનો નિર્ણય કરાયો છે.