ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય છેલ્લા ૨૦ વર્ષથી ગણિત અને વિજ્ઞાનના મદદનીશ શિક્ષિકા તરીકે કાર્યરત જાગૃતિબેન રસીકલાલ વકીલ દ્વારા પુરસ્કૃત થયેલ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સૌજન્યથી ધો.૧૦ બોર્ડના નબળા વિદ્યાર્થીઓને પાસ થવા અત્યંત ઉપયોગી એવા ‘ગણિત ગમે છે’ પુસ્તકનું તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મંત્રીઓએ આ પુસ્તકના નિર્માણ બદલ જાગૃતિબેન વકીલને અભિનંદન પાઠવ્યા હતા.
એસ.એસ.સી. બોર્ડની લેવાનાર પુરક પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષા આપનાર રાજ્યના પુરક પરીક્ષાર્થીઓને પાસ થવા માટે મદદરૂપ થશે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક સંધના અધ્યક્ષ અને એસએસસી બોર્ડના સભ્ય નારણભાઇ પટેલે ‘ગણિત ગમે છે’ પુસ્તકના નિર્માણ બદલ જાગૃતિબેન વકીલને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જાગૃતિબેન વકીલના ૨૦ વર્ષના શિક્ષણના નિચોડરૂપે પુસ્તક તૈયાર કરી ગુજરાતના રિપિટર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સુપરત કર્યુ છે તે ભાવનાને શિક્ષણના સિમાચિન્હ ગણાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સેવાનિષ્ઠ બાળકો માટે સફળતા પૂરી પાડનાર સહયોગના પ્રયાસને બિરદાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાગૃતિબેન છેલ્લા ૨૦ વર્ષોથી માતૃછાયામાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવે છે અને ૨૦૧૬માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચૂ?ક્યાછે. એ ઉપરાંત પણ સંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ, રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક, નેશનલ બિલ્ડર એવોર્ડ, ડોટર ઓફ ગુજરાત, નારી શૌર્ય શક્તિ જેવા અનેક એવોર્ડ મેળવી ચૂક્યા છે. સાથે અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં અત્યંત વ્યસ્ત સમય વચ્ચે બાલદેવો ભવની ભાવના તેમના નસેનસમાં વહે છે ત્યારે શિક્ષણના તેમના ૨૦ વર્ષોના અનુભવના નીચોડરૂપ આ પુસ્તિકાથી અનેક બાળકોને ફાયદો થયો છે અને હજુ વધુ થશે.
જાગૃતિબહેને રાજ્ય સરકારના નિર્ણય માટે આભાર સાથે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, બહુ નજીકના ભવિષ્યમાં આ પુસ્તિકામાં ગણિત સાથે વિજ્ઞાન વિષયને પણ સાંકળી ધો.૧૦ના બાળકોને વધુ મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરીને એમના આ સ્તુત્ય અભિગમ બદલ સમગ્ર શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઇ છે ત્યારે જાગૃતિબહેને આ સમગ્ર યશના અધિકારી પોતાની શાળા માતૃછાયાની વહાલી દીકરીઓને અને શાળા પરિવારને આભારી હોવાનું જણાવ્યું હતું.