આગામી તા.૧૬-૧૭ જુલાઈના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ભાવનગરની મુલાકાતે આવ્યા હતા.
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અન્વયે દિલ્હીથી નેતાઓની ‘હડીયા પાટ’રાજ્યમાં શરૂ થઈ રહી છે ત્યારે આગામી તા.૧૬-૧૭ જુલાઈના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાવનગર જિલ્લાના પ્રવાસે પણ આવનાર હોય તેમની આ મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારે આગતા સ્વાગતામાં કચાશ ન રહે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અમિત ચાવડા સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્રભાઈ પણ આવ્યા હતા પ્રદેશ પ્રમુખએ ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ ગોહિલ, ધારાસભ્ય, પ્રવિણ મારૂ, તળાજાના ધારા સભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી મહા.પા. વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ મેહુરભાઈ લવતુકા, ઝવેરભાઈ ભાલીયા ઘોઘા તા.પં.પ્રમુખ સંજયસિંહ ગોહિલ રેવતસિંહ ગોહિલ રાજેશ મહેતા, પ્રહલાદસિંહ ગોહિલ ભરતભાઈ કંટારીયા, પી.એમ ખેની લાલભા ગોહિલ સહિતના સભ્યો સાથે મિટીંગ યોજી ચર્ચા વિચારણા સાથે સાથે માર્ગદર્શન આપ્યુ હતું.
રાહુલ ગાંધીનો સંભવીત મુલાકાત
રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘોઘા તાલુકા અલંગ, મેથળા, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, તથા પ્રસિધ્ધ યાત્રાધામ બગદાણા તથા રામાયણના રાષ્ટ્રીય વકતા પૂ. મોરારિબાપુની મુલાકત લે તેવી શક્યતા સાથે ખેડુતો સાથે સંવાદ કરશે ઉપરાંત આપના અધ્યક્ષ ડો.કનુભાઈ કળસરીયાને કોંગ્રેસનો ખેસ પહેરાવે તેવી વકી રહેલી છે.