ભારતીય જનતા પાર્ટી, ભાવનગર શહેર દ્વારા આજરોજ શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ખાતે મેઘરાજાની મહેરબાનીથી આવેલ નવા નીરના વધામણા અને પૂજન કરવાનો કાર્યક્રમ શહેર ભાજપા અધ્યક્ષ સનતભાઈ મોદીની અધ્યક્ષતામાં મેયર મનહરભાઈ મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયર અશોકભાઈ બારૈયા, નેતા પરેશભાઈ પંડયા, દંડક જલ્વીકાબેન ગોંડલીયા સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર ખાતે મેઘરાજાની મહેરબાનીથી ઉપરવાસના સારા વરસાદને પરિણામે ભાવનગરના લોકો માટે જીવાદોરી સમાન ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ખાતે ૧૦ ફુટથી વધુ નવા નીરની આવક થતા ભાવનગરનો પાણીનો પ્રશ્ન મહદ અંશે રાહત થઈ છે. ભાવનગર શહેરની કુલ વસ્તીના પ્રમાણમાં ૧૩પ એમ.એલ.ડી. પાણીના રોજીંદા વપરાશ પૈકી ૧૦ એમ.એલ.ડી. પાણી ભાવનગર શહેરને બોરતળાવ પુરૂ પાડે છે ત્યારે ૧૩૦ એમ.સી.એફ.સી. નવા નીરની આવકથી ભાવનગર શહેરના લોકોને ૬ માસ સુધી ચાલે તેટલી નવા નીરથી આંશીક રાહત મળી છે ત્યારે હજુ પણ ભાવેણાની જીવાદોરી સમાન બોરતળાવ અને શેત્રુંજી ડેમ છલોછલ ભરી આપે. ભાવેણાના આંગણે મેઘરાજાના આગમનથી નવા આવેલા નીરના આજરોજ ભારતીય જનતા પાર્ટી અને ભાવનગર શહેરના નાગરીકો વતી વધામણા કરવામાં આવ્યા હતા. ભીકડા કેનાલ મારફત બોરતળાવ સુધી સારી રીતે લાવવામાં સફળ રહ્યાં જેના કારણે શહેરની જીવાદોરી સમાન બોરતળાવમાં એક જ રાત્રિમાં ૧૦ ફુટ જેટલા નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે અને ભાવેણાની જનતાને આંશીક રાહત મળી છે ત્યારે આ નવા નીરનું આજે અહીં સમગ્ર ભાવેણા વતી પૂજન કરવામાં આવ્યું છે.