છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પડી રહેલા વરસાદે ખેડૂતોની સારા ચોમાસાની આશા જીવંત રાખી છે. કેમ કે, આ વર્ષે, ગુજરાતમાં ચોમાસુ મોડુ બેઠુ છે અને ખેડૂતો હજુ ધીંગા વરસાદની રાહ જોઇને બેઠાં છે. જુલાઇની દસમી તારીખ થઇ હોવા છતાંય ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડ્યો નથી. રાજ્યમાં હજુ છ તાલુકાઓમાં તો છાંટોય વરસાદ પડ્યો નથી.
ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, ૯ જુલાઇની સ્થિતિએ રાજ્યમાં માત્ર ૨૭.૬૪ ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. રાજ્યમાં હાલ ૨૩.૬૭ લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. ગયા વર્ષે આજ તારીખે (૯ જુલાઇ) ૪૫.૭૪લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી હતી. આનો મતલબ એવો થાય છે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ રાજ્યના સરેરાશ વાવણી લાયક વિસ્તારમાં માત્ર ૨૭.૬૪ ટકા વિસ્તારમાં જ વાવેતર થયુ છે. ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની જરૂર છે અને ખેડૂતો ભારે ભરસાદની રાહ જોઇને બેઠાં છે. રાજ્યમાં કૂલ ૮૫.૫૬ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ અઠવાડિયામાં જે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ખેડૂતો માટે અગત્યની બની રહેશે. ખેડૂતોએ કપાસ, મગફળી, ઘાંસચારો, જુવાર, બાજરી, તુવેર, સોયાબીન અને શાકભાજીનું વાવેતર શરૂ કરી દીધુ છે. ખેડૂતો માટે જુલાલઇ મહિનાનો વરસાદ ખુબ જ અગત્યનો બની રહેશે. કેમ કે, જો જુલાઇમાં સાર્વત્રિક વરસાદ ન થાય તો ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાઇ શકે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરસાદના આંકડાઓ મુજબ, ગુજરાતમાં હજુ માત્ર સિઝનનો ૧૭.૬૮ ટકા વરસાદ જ થયો છે અને કેટલાય તાલુકાઓ કોરા ધાકોર છે. આ આકંડાઓ મુજબ રાજયના વિવિધ વિસ્તારોમાં- દક્ષિણ ગુજરાતમાં ૨૯.૪૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦ ટકા મધ્ય ગુજરાતમાં ૮ ટકા,ઉત્તર ગુજરાતમાં ૧૧.૪૧ ટકા અને કચ્છમાં સિઝનનો માત્ર ૧.૨૫ ટકા વરસાદ પડ્યો છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં ૧૭ જિલ્લાના ૮૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ છ તાલુકાઓમાં છાંટોય વરસાદ પડ્યો નથી.