શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ચોમાસાને લઈને જાહેર સાફ સફાઈ સઘન બનાવવા સાથોસાથ આ અંગે ચાપતા પગલા લેવાની તાતી જરૂરીયાત રહેલી છે ત્યારે તંત્ર દ્વારા નિયમિત સાફ સફાળની પણ તસ્દી ન લેતા ઘડેચોક ઉકરડા અને ગંદકી-કચરાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાખ્યો છે.
શહેરના નાના-મોટા તમામ વિસ્તારોમાં વસતા લોકો તંત્ર દ્વારા કરવામાં આવતી સફાઈ કામગીરીને લઈને બિલકુલ સંતુષ્ટ નથી. ચોમાસાના માહોલમાં જવાબદાર તંત્ર દ્વારા દિવસમાં ત્રણ વાર સફાઈનો આગ્રહ રાખવો જોઈએ પરંતુ હાલ અમુક વિસ્તારોમાં દિવસો સુધી સફાઈ કામદારોના દર્શન સુધ્ધા નથી થતા. ખાસ કરીને શહેરની ગોળબજાર, ભીલવાડા સર્કલ, વડવા, નિર્મળનગર સહિતના વિસ્તારો ગંદકી અને ગોબરવાડામાં ખદબદે છે. સફાઈ પ્રશ્ને ત્રસ્ત બનેલા નગરવાસીઓએ જવાબદાર તંત્રને ઢંઢોળવા સાથે નગરસેવકોના વારંવાર કાન આમળવા છતાં આ લોક પ્રશ્ન યથાવત રહેવા પામ્યો છે. કેન્દ્રમાં સત્તારત ભાજપના દિગ્ગજ નેતાઓ તથા મહાપાલિકામાં રાજ કરતા નેતાગણ દ્વારા અવાર-નવાર જાહેર સાફ-સફાઈ અંગેનું નાટક ખુબ સારી રીતે ભજવી સસ્તી પ્રસિધ્ધિ મેળવવા તત્પર રહે છે.
સ્વાઈન ફ્લુનો આંતક છતાં તંત્ર બિન્દાસ્ત..!
શહેરમાં રોગચાળાએ માઝા મુકી છે. સ્વાઈન ફ્લુ જેવા ગંભીર જીવલેણ રોગને લઈને લોકો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. તદ્દઉપરાંત ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અનેક રોગોમાં પ્રસરવ વધુને વધુ વકરી રહ્યો હોવા છતાં રોગચાળાને ડામવા માટે અતિ અગત્યની બાબત ગણાતા જાહેર સ્વચ્છતા અંગે કોઈ જ નક્કર પગલાઓ લેવામાં નથી આવી રહ્યાં. ગંદકી અને કચરાના ઢગલામાં માખી-મચ્છર સહિતના કિટકો વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. પરિણામે આવા જીવો દ્વારા રોગચાળો ફેલાય છે. સ્કુલ, મંદિરો, બજારોમાં સફાઈની તાતી જરૂરીયાતો રહેલી છે.