ગ્રા.પં.માં લાઇસન્સ માટે અરજી કરી શકાશે

1767

રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની સુવિધા તા.૧લી ઓગસ્ટથી અમલી બનવા જઇ રહી છે. કોઇપણ વાહનચાલક કે નાગરિક માત્ર રૂ.૨૦નો ચાર્જ ગ્રામ પંચાયતમાં ભરીને આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટેની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અઁગની અરજી કરી શકશે. આ નિર્ણયના કારણે નાગરિકોને ઓનલાઇન એપાઇન્ટમેન્ટ મેળવવામાં સરળતા રહેશે. રાજયની મહાનગરપાલિકાઓમાં વિવિધ સ્થળોએ સેવા કેન્દ્રો ઉપલબ્ધ હોય છે. જેના કારણે કોઈપણ નાગરિકને સામાન્ય સુવિધાઓ મેળવવામાં તકલીફ પડતી નથી. અંતરિયાળ ગામડાંઓમાં રહેતા લોકો આસપાસના મોટા ગામમાં અરજી કરવા માટે ધક્કા ખાતા હોય છે. હવે આવા ફોર્મ ભરાવવા માટે તેઓને ધક્કા ખાવા પડશે નહીં. અરજદારોએ ગ્રામ પંચાયતની ઓફિસમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની એપોઈન્ટમેન્ટ લીધી હશે તે જ દિવસે તેમણે સીધું આરટીઓમાં જવાનું રહેશે. ગ્રામ પંચાયતનો કોન્ટ્રેક્ટ બેઈઝ કર્મચારી એક અરજદાર પાસેથી આ માટે રૂ.૨૦નો ચાર્જ વસૂલી શકશે. એજન્ટો મન ફાવે તેવા રૂપિયા પડાવતા હોવાની ફરિયાદોના પગલે સરકારે હવે આ નવો રસ્તો અપનાવવવાનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ આરટીઓમાં કાચું-પાકું લાઇસન્સ, રિન્યુઅલ, ડુપ્લિકેટ, લાઇસન્સ ભરવા સહિતની પ્રક્રિયાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત છે.  તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજદારે આરટીઓમાં જવાનું રહે છે. એજન્ટો આવાં ફોર્મ ભરાવવાના રૂ.૧૦૦થી ૩૦૦ની વસૂલી કરે છે. વાહન વ્યવહારના વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાયલ બેઝ પર કેટલાક ગામડાંઓમાં આ સુવિધા શરૂ કરાઈ છે. તા.૧લી ઓગસ્ટ સુધીમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં આ સુવિધા શરૂ થઈ જશે. જેના કારણે નાગરિકોને ભારે સરળતા રહેશે.

Previous articleરાજ્યમાં ૨૭.૬૪% વિસ્તારમાં જ વાવેતર સાર્વત્રિક ભારે વરસાદ જ ખેડૂતોને તારશે
Next article૧૬મીથી ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ